ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીકથી વહેતી માધુમતિ ખાડીના સામા કાંઠે પણ સારસા ગામના ખેડૂતોના ખેતરો આવેલા છે. ખેડૂતોએ અવારનવાર બળદગાડા તેમજ પશુઓ સાથે ખાડી ઓળંગીને સામા કાંઠે આવેલ ખેતરોએ જવું પડે છે. ઉપરાંત સોરવા પંથકના ગ્રામજનોએ પણ સારસા તરફ આવવા ખાડી ઓળંગવી પડે છે. સારસા ગામે આવેલ દુધ મંડળીમાં દુધ ભરવા આવતા ગ્રામજનો તેમજ વિધ્યાર્થીઓ પણ માધુમતિ ખાડી પર છલિયા ( નાળુ) ના અભાવે તકલીફ ભોગવી રહ્યા છે. ચોમાસાના દિવસો દરમિયાન ખાડી બેકાંઠે વહેતી હોય ત્યારે ગ્રામજનો માટે વિકટ પરિસ્થિતિ સર્જાય છે. બે કાંઠે વહેતી ખાડીમાં ગ્રામજનોએ જીવના જોખમે ઘણીવાર નાછુટકે ખાડી ઓળંગવી પડે છે.
અગાઉ સારસા ગ્રામ પંચાયત દ્વારા આ સ્થળે માધુમતિ ખાડી પર પુલ બનાવવા ઉચ્ચ સ્તરે લેખિતમાં રજુઆત પણ કરવામાં આવી હતી, પરંતું તે બાબતે હજી કોઇ પરિણામ નહિ મળતા ગ્રામજનોની તકલીફ યથાવત રહેવા પામી છે, ત્યારે સારસા ગામે માધુમતિ ખાડી પર છલિયુ બનાવવા યોગ્ય આયોજન કરાય તેવી આ પંથકના ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ઉપરાંત સારસા ગામે માધુમતિ ખાડીમાં થઇને અન્ય એક માર્ગ નજીકના સરકારી બોરીદ્રા ગામ તરફ પણ જાય છે. આ સરકારી બોરીદ્રા ગામ સારસા ગ્રુપ ગ્રામ પંચાયત સંલગ્ન જોડાયેલ ગામ હોવાથી બોરીદ્રાના ગ્રામજનોએ તેમજ સારસા ગામના ખાડી નજીકના આ વગામાં ખેતરો ધરાવતા ખેડૂતોએ પણ અવારનવાર ખાડી ઓળંગવી પડે છે. થોડા વર્ષો અગાઉ ચોમાસા દરમિયાન બળદગાડુ લઇને ખાડીમાંથી પસાર થઇ રહેલા સારસાના એક ખેડૂતનું બળદગાડુ પાણીમાં તણાઇ ગયુ હતું. જોકે ખેડૂતે સમયસુચકતા વાપરીને તરત બળદોને ગાડા સાથેથી છુટા પાડી દેતા બળદો તરીને બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ ખાડીમાં પાણી ઓસરતા તણાયેલું બળદગાડું રાજપારડી નજીક ખાડીમાં દેખાયું હતુ. સદભાગ્યે આ ઘટના જાનહાનિથી મુક્ત રહી હતી. ત્યારે સારસા ગામ નજીક વહેતી માધુમતિ ખાડી પર આ બન્ને સ્થળોએ છલિયા ( પુલ ) બનાવવાની તાકીદની જરૂર જણાઇ રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ