કચ્છ જિલ્લામાં પશુઓના મોતનું તાંડવ લમ્પી વાયરસના કારણે જોવા મળી રહ્યું છે. લમ્પી વાયરસની સૌથી વધુ અને મોટી અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અત્યાર સુધીમાં અંદાજિત 1136 થી વધુ પશુઓના મોત અત્યાર સુધી કચ્છ જિલ્લામાં થઈ ચૂક્યા છે. મળતી વિગતો અનુસાર 37 હજારથી વધુ પશુઓ અત્યારે સારવાર હેઠળ છે. પશુઓની દફનવિધી ખાડાઓ ખોદીને રાતોરાત કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે સીએમ અને કૃષિમંત્રીએ પણ આજે રુબરુ જઈને સમીક્ષા કરવાની ફરજ પડી હતી. કચ્છમાં પશુઓના મોત સતત વધતા આ રોગચાળો પશુઓમાં બેકાબુ બની રહ્યો છે ત્યારે પશુઓને બચાવવા માટે ટીમો પણ કામે લગાવાઈ છે.
કચ્છ જિલ્લાની અંદર 50 હજાર જેટલા પશુઓની સારવાર કરાઈ છે. જેમાંથી 37 હજારની સારવાર ચાલી રહી છે. જિલ્લામાં 23.79 લાખ પશુધન છે જે પૈકી 5.74 લાખ ગાય છે. તેમાંથી 1.86 લાખ ગાયનું લમ્પી રોગ માટેનું રસીકરણ કરાયું છે. અત્યારે ગૌ શાળા અને પાંજરાપોળની અંદર 46000 થી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લામાં અત્યારે પશુઓ ટપોટપ મરી રહ્યા છે ત્યારે રસીકરણ તેજ કરવામાં આવી રહ્યું છે. જેમાં માંડવી તાલુકામાં 21,762 નું રસીકરણ થયું, 3,478 પશુઓની સારવાર ચાલી રહી છે. બીદડા ગામમાં 1,062 ગાયમાંથી 480 ગાયનું માલિકોએ અંગત ધોરણે રસીકરણ કરાવ્યું આ ગામમાં જ 66 ગાયના મૃત્યુ થયા છે. પાંજરાપોળની અલગથી 56 ગાયના મોત જ્યારે ગામમાં 36 એમ અત્યાર સુઘી આ એક જ ગામમાં 158 ગાયના આ વાયરસથી મોત થયા છે.
લખપત બાદ અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભૂજ, રાપર, ભચાઉ એમ મોટાભાગના તાલુકાઓના ગામોમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. કચ્છ જિલ્લાની અંદર 556 ગામોમાં અંદર 37 હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી રહી છે. પશુઓની સારવાર માટે 72 ટીમો કાર્યરત કરાઈ છે.
પશુઓથી મોતના આંકડાઓ ગુજરાતભરમાંથી 1400 થી વધુ સરકાર તરફથી સત્તાવાર રીતે જાહેર કરાયા છે. ત્યારે એક જ કચ્છની આ હાલત છે અને તેમાં પણ એક જ ગામોમાં 150 થી વધુ પશુના મોતના આંકડાઓ સામે આવી રહયા છે તો અંદાજ લગાવી શકાય છે કે, 24 જિલ્લાઓમાં લમ્પીનો કહેર છે તો આ મોતનો આંકડો કેટલો વધુ હશે તેનો અંદાજ લગાવી શકાય છે અત્યારે રાતોરાત ગાયોના મૃતદેહોને ડમ્પિંગ વિસ્તારમાં ખાડાઓ કરીને મૃતદેહનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.