ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં અવારનવાર કામદારો વચ્ચે અથવા કંપનીઓમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો વચ્ચે ઝઘડા થવાની ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઇ હોય એમ લાગે છે. આવી જ એક ઘટનામાં મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હોવાની વિગતો સામે આવવા પામી છે.
મળતી વિગતો મુજબ તાલુકાના મુલદ ગામે રહેતો મુળ રાજસ્થાનનો રહીશ અમનપાલસિંહ છત્રપાલસિંહ જાદોન બોરોસીલ કંપનીમાં કામ કરતા સિવિલ કોન્ટ્રાક્ટર કે.બી.મેહતા કન્સ્ટ્રક્શન નામની કંપનીમાં નોકરી કરે છે. આ કન્સ્ટ્રક્શન કંપનીને જ્યારે જરુર પડે ત્યારે તેઓ ગોવાલી ગામના અન્ય કોન્ટ્રાક્ટર હરેશભાઇ પાટણવાડીયાનું જેસીબી મશીન ભાડે બોલાવતા હતા. ત્યારબાદ આ કન્સ્ટ્રક્શન કંપની પોતાનું જેસીબી મશીન લાવતા હરેશને જણાવેલ કે હવે તમારા મશીનની જરુર નથી. દરમિયાન ગત તા.૨૭ મીના રોજ રાતના દસેક વાગ્યાના અરસામાં અમનપાલ અને અન્ય માણસો કંપનીમાંથી બોલેરો ગાડીમાં ઘરે જઇ રહ્યા હતા, ત્યારે ઉપરોક્ત વાતની રીશ રાખીને મોટરસાયકલો પર આવેલ હરેશ પાટણવાડીયા અને બીજા સાતેક ઇસમોએ રસ્તામાં બોલેરો ગાડીને રોકી હતી. અને આ લોકોને નીચે ઉતારીને ઢિકાપાટુનો માર માર્યો હતો, તેમજ શેફ્ટી હેલ્મેટથી તથા ડંડાથી માર મારી ઇજા કરી હતી. અને હરેશભાઇએ ધમકી આપી હતીકે પોલીસ ફરિયાદ કરીશ તો માર મારીશું. ઇજાગ્રસ્ત ઇસમોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. આ ઘટના સંદર્ભે અમનપાલસિંહની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે હરેશભાઇ મગનભાઈ પાટણવાડીયા રહે.ગોવાલી, તા.ઝઘડિયાના તેમજ અન્ય સાત જેટલા નામ નહિ જણાયેલ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ