આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને મા શારદા ભવન ટાઉનહોલ અંકલેશ્વર ખાતે વિદ્યુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીના વિઝન અંતર્ગત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય:પાવર@૨૦૪૭’ વિજળી મહોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યનો ખેડૂત સિંચાઈ માટે વીજળીથી વંચિત ન રહે તેમજ તેમને પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને અનેકવિધ સુવિધાઓ અને યોજનાઓ સાથે સાંકળીને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા પ્રતિબદ્ધ છે. સરકારની વિવિધ ઉર્જા ક્ષેત્રની યોજનાઓ જેવી કે સોલર રૂફટોપ યોજના, જ્યોતિગ્રામ યોજના વગેરે યોજનાઓનો લોકોએ લાભ લેવા અઘ્યક્ષ એ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં ઉર્જા ક્ષેત્રની ભૂમિકાની શોર્ટફિલ્મ અને નુક્કડ નાટક તેમજ નૃત્ય રજૂ કરી મનોરંજન સાથે વિજક્ષેત્રે થયેલી પ્રગતિથી શહેરીજનો તેમજ ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા તેમજ તાલુકાના પધાધિકારી અને અધિકારીઓના હસ્તે વિજવિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરત પટેલ, મામલદાર કરણસિંહ રાણા, પ્રાંત અધિકારી નૈતિકા પટેલ અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેકિટર સહિત વિજ વિભાગના અધિકારીઓ, શહેરીજનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.