હિન્દૂ ધર્મનો સૌથી પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઇ ગયો છે અને મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ માસમાં ઉપવાસનો મહિનો પણ કહેવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ અને દ્વારકા ખાતે આવેલા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
ગુજરાત સહીત દેશભરમાં શ્રાવણ મહિનાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ મંદિરોમાં દરરોજ જુદા જુદા ફૂલોથી શણગાર કરવામાં આવશે. દેવોના દેવ મહાદેવ મનોકામના પુરી કરે તે હેતુથી ભક્તો શિવલિંગની પૂજા કરશે અને નાના મંદિરો થી લઇ મોટા મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવશે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોય મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનો શરુ થયો હોવાથી નોનવેજ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે અને આ પવિત્ર મહિનો પૂરો ન થાય ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ માંસનું વેચાણ કરી શકાશે નહીં. ગુજરાતના મોટાભાગના લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોવાથી ખાદ્ય વસ્તુઓ પર પણ તંત્રની નજર રહેશે જેથી ભેળસેળ યુક્ત સામગ્રીથી લોકોની તબિયત બગડે નહીં અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તકેદારી રાખવામાં આવશે.