ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી ઠેરઠેર સિલિકાના પ્લાન્ટ દેખાઇ રહ્યા છે. આડેધડ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સિલિકા પ્લાન્ટ્સ પૈકી ઘણા નિયમો જાળવતા નથી, અને પ્રદુષિત પાણી બહાર છોડતા હોઇ તેને લઇને ખેતરોને નુકશાન થતું હોવાની વાતો બહાર આવવા પામી છે. દરમિયાન રાજપારડીના કોયા વગામાં ખેતરો ધરાવતા કેટલાક ખેડૂતોએ કેટલાક સિલિકા પ્લાન્ટના સંચાલકો દ્વારા છોડવામા આવતા પ્રદુષિત પાણીથી ખેતરોને નુકશાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયત રાજપારડી સહિત ઝઘડિયા મામલતદાર, નાયબ કલેક્ટર ઝઘડિયા, જીલ્લા કલેક્ટર ભરૂચ, તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરને લેખિતમાં રજુઆત કરીને ખેતીને થતું નુકશાન અટકાવવા માંગ કરી છે.
આ ખેડૂતોએ તેમની રજુઆતમાં જણાવ્યું છેકે રાજપારડીના કોયા વગા વિસ્તારમાં મુખ્ય ધોરીમાર્ગ પર આવેલા કેટલાક સિલિકા પ્લાન્ટ્સ દ્વારા વોશિંગ કરેલ કેમિકલયુક્ત પ્રદુષિત પાણી ખેતરો નજીક આવેલ કોતરોમાં તેમજ વરસાદી કાંસમાં છોડવામાં આવે છે. આ પ્રદુષિત પાણી રોડ તેમજ રેલવેલાઇન ક્રોસ કરીને વરસાદની ઋતુમાં કોયા વગામાં આવેલ ખેતરોમાં ઘુસી જાય છે. ખેડૂતોના વધુમાં જણાવાયા મુજબ સદર પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની વાત સિલિકા પ્લાન્ટ્સ સંચાલકો ધ્યાને નથી લેતા. ઉપરાંત આ પ્રદુષિત પાણી ખાડી તેમજ નહેરમાં ભેગું થઇ જવાથી આ પાણી પશુઓના પીવામાં પણ આવે છે, તેને લઇને પશુઓના સ્વાસ્થયને હાનિ પહોંચવા ઉપરાંત પશુઓના મોત પણ થતા હોવાની વાત પણ ખેડૂતો દ્વારા રજુ કરવામાં આવી હતી. આમને આમ ચાલતુ રહેશે તો ખેતીને મોટું નુકશાન થવાની દહેશતની શંકા દર્શાવીને નિયમોનો ભંગ કરતા આવા સિલિકા પ્લાન્ટ્સના માલિકો સામે સખત પગલા ભરવા ખેડૂતોએ માંગ કરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સિલિકા પ્લાન્ટ્સ બાબતે ઘણીવાર વિવાદ જોવા મળતો હોય છે. તાલુકામાં આવેલ સિલિકા પ્લાન્ટ્સ પૈકી કેટલા સરકારી દફતરે નંધાયેલા છે અને કેટલા જરુરી નિયમોનું પાલન કરે છે એ બાબતે ન્યાયિક તપાસ થાયતો ઘણી ગેરરીતિઓ બહાર આવવા સંભવ છે. હવે જોઇએ ખેડૂતોની રજુઆત બાબતે સંબંધિત અધિકારીઓ કેવા પગલા લે છે ! જો ખેડૂતોની આ સમસ્યાનો હલ નહી આવે તો ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાય તો પણ નવાઇ નહિ ગણાય !
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ