બરવાળા લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 40 ને પાર થઈ ચૂક્યો છે. હજુય 70 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે, તેમજ હોસ્પિટલમાં એડમિટ થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 13 જેટલા દર્દી ડૉક્ટરને કહ્યા વિના જ ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ દર્દીઓને શોધીને ફરી હોસ્પિટલ લાવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહીના ડરથી આ લોકો હોસ્પિટલમાંથી ભાગી ગયા હોવાની પણ ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, ઝેરી દારુ પી જવાના કારણે બીમાર પડી ગયેલા 70 થી વધુ દર્દી હાલ ભાવનગરની સર ટી હોસ્પિટલ ઉપરાંત, અમદાવાદની સિવિલ તેમજ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આજ સવાર સુધીમાં અમદાવાદ સિવિલમાં 37 દર્દી સારવાર લઈ રહ્યા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ઝેરી દારુ પીવાથી સોમવાર રાતથી જ ઘણા દર્દીને સતત ઉલ્ટી થઈ રહી છે તેમજ તેમની તબિયત ગંભીર બની છે. ઘણા કિસ્સામાં તો પરિવારના એકમાત્ર કમાનારા વ્યક્તિનું મોત થયું છે અથવા તો હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. હાલ 12 થી વધુ દર્દીની હાલત અતિગંભીર જણાવાઈ રહી છે. ઝેરી દારુ પીવાથી જે લોકોના મોત થયા છે, તેમજ જે લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તેમાંના મોટાભાગના લોકો સાવ ગરીબ ઘરના મજૂરો છે.
સોમવારે સાંજે બોટાદ અને અમદાવાદ જિલ્લાના ગામોમાં ઝેરી દારુ પીધા બાદ ટપોટપ લોકો બીમાર પડવા લાગ્યા હતા. ગણતરીના સમયમાં જ અહીં લઠ્ઠાકાંડ થયો હોવાની વાત ફેલાઈ ગઈ હતી. આજે લઠ્ઠાકાંડના ત્રીજા દિવસે પણ મોતનો તેમજ નવા દર્દીઓને દાખલ કરવાનો સિલસિલો નથી અટકી રહ્યો. જે ગામોમાં કેસ મળી આવ્યા છે ત્યાં હજુય એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. જેથી કોઈને જો ઝેરી દારુની અસર જણાય તો તેને તાત્કાલિક હોસ્પિટલ લાવી શકાય.