ઉમરપાડા તાલુકા મથક ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે લઠ્ઠાકાંડમાં જવાબદાર રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ અને સ્થાનિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા સહિત ઉમરપાડા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી બી સંદીપ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ યુનુસ પટેલે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. ગતરોજ બોટાદ જિલ્લામાં ઝેરીલા કેમીકલના સેવનથી લઠ્ઠાકાંડ સર્જાયો હતો. તેમાં 50 થી વધારે લોકો જીવ ગુમાવ્યા એ માટે ગૃહ રાજ્યમંત્રી સંપૂર્ણપણે જવાબદાર હોવાથી તેઓ રાજીનામુ આપે તેવી માંગ સાથેનું મહામહિમ રાજ્યપાલને સંબોધીને લખેલું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યુ હતુ. વધુમાં આગેવાનોએ જણાવ્યું કે લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોના પરિવારને સરકાર તાત્કાલિક ધોરણે મદદ કરે અને ભ્રષ્ટ નેતાઓ પોલીસ સહિત લઠ્ઠાકાંડમાં સંડવાયેલા તમામને યોગ્ય પ્રકારની સજા થાય તેવી માંગ કરી હતી. આ કાર્યક્રમમાં રમણભાઇ ચૌધરી, માંગરોલ પ્રમુખ શામજીભાઇ ચૌધરી, શાહબુદ્દીન મલેક, ઈરફાન મકરાણી હિતેશ પટેલ સહીતના કોંગ્રેસ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ