માંગરોળ તાલુકા તલાટી મંડળે ઓલપાડ તાલુકાના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટીને વગદાર મહિલાની ખોટી ફરિયાદના આધારે ડીડીઓ દ્વારા ફરજ મોકૂફ કરવાના વિરોધમાં હડતાળ પાડી મામલતદાર અને ટીડીઓને આવેદનપત્રો આપી ફરજ મોકૂફ તલાટીને પુનઃ ફરજ પર નિયુક્ત કરવા માંગ કરી છે.
કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતનભાઇ જાસોલીયા વિરુદ્ધ એક મહિલા ફરિયાદી દ્વારા ઉપજાવી કરેલી ખોટી ફરિયાદના આધારે કોઈપણ જાતના તલાટી ક્રમમંત્રીના ગુણદોષ તપાસ્યા વિના ડીડીઓ એ એક તરફી નિર્ણય કરી તલાટીને ફરજમાં મોકૂફ કરી દેતા માંગરોળ તાલુકા તલાટી મંડળે વહીવટી કામકાજ બંધ કરી હડતાળ પાડી વિરોધ દર્શાવ્યો છે. માંગરોલ તલાટી મંડળના પ્રમુખ જીગ્નેશ વસાવા, જિલ્લા તલાટી મંડળના મહામંત્રી અશોક વણકર સહિત તલાટી મંડળના સભ્યોએ ટીડીઓ કચેરીમાં ટી પી ઓ હેમંતભાઈ એચ મહેતા એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું તેમજ મામલતદારને આવેદન પત્ર આપી જણાવ્યું કે ઓલપાડ તાલુકાની, કારેલી ગ્રામ પંચાયતમાં વગદાર અને સાધન સંપ્પન મહિલા અરજદારની ઉપજાવી કાઢેલી રજુઆત અને ફરિયાદ બાબતે કોઈ પણ તપાસ અને ધોરણસરની કર્યવાહી વગર, ફક્ત અરજી રજુઆત અન્વયે માત્રને માત્ર માલેતુજાર વર્ગનો ઘમંડ સંતોષાય તે પ્રકારે જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી ક્રમ મંત્રી કેતન જાસોલીયાને એકતરફી એક જ દિવસે નિર્ણય કરી કોઈ પણ જાતના ગુણદોષ તપાસ્યા વગર ફરજ મોકુફી કરેલ છે, જયાં સુધી આ બાબતે કોઈ નકકર નિરાકરણ ન આવે અથવા જિલ્લા તલાટી મંડળનો બીજો આદેશ ન થાય ત્યાં સુધી તાલુકા મંડળ તથા દરેક તાલુકાના તલાટી કમ મંત્રીઓએ કામગીરીનો બહિષ્કાર કર્યો છે. તાલુકા કક્ષાએ હાજર રહી માત્ર આવશ્યક સેવાઓ સંબંધિત અને આપત્તિ વ્યવસ્થાપન સિવાય તમામ પ્રકારની કામગીરી સુરત જિલ્લા તલાટી મંડળના આદેશથી બંધ કરવામાં આવી છે. સુરત જિલ્લા તલાટી મંડળ અને માંગરોળ તલાટી મંડળી જ્યાં સુધી નિર્દોષ તલાટી ક્રમમંત્રીને ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ