બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 36 થી વધુ લોકોનાં મોત થયા છે. લઠ્ઠાકાંડની ઘટનાને લઇને એસપી ડો. લીના પાટીલે ગઇકાલથી જ સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરાવી છે. જેમાં જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં જ દેશી-વિદેશી દારૂના કુલ 100 કેસ કર્યાં છે.
બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાને લઇને એસપી દ્વારા ગઇકાલથી પ્રોહિબિશનની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેના પગલે છેલ્લાં 24 કલાકમાં જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી-વિદેશી દારૂના કેસ કર્યાં હતાં. જેમાં જિલ્લામાં કુલ 97 દેશીદારૂના કેસ કરવામાં આવ્યાં હતાં. જેમાં કુલ 78 આરોપીઓને ઝડપી પડાયાં હતાં. જ્યારે 20 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.
ઉપરાંત બુટલેગરો પાસેથી 10 હજારનો દારૂનો જથ્થો મળી 37 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વિદેશી દારૂના 3 કેસ નોંધાયાં હતાં. જેમાં 4 આરોપીઓની ધરપકડ થઇ હતી. જ્યારે 6 જણાને વોન્ટેેડ જાહેર કરાયાં હતાં. પોલીસે તેમની પાસેથી કુલ 83 હજાર ઉપરાંતનો દારૂ મળી કુલ 17.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.