જામનગર સહિત રાજ્યભરના બહુચર્ચિત જામનગરના ફરાર આરોપીને હાજર થવા રાજકોટની સ્પેશિયલ કોર્ટે ફરમાન કર્યું છે. જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેના વાઈટ કોલર સાગરીતો એ શહેરના અનેક માલેતુજાર પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હોવાની વિગતો સામે આવી હતી. હાલ આ પ્રકરણમાં 14 આરોપીઓ જેલમાં છે જ્યારે મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ જેલમાં છે. ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ હજુ પોલીસ પહોંચથી બહાર છે. આ પ્રકરણમાં મહેશ છૈયા સહિત કુલ ત્રણ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણમાં ફરી સળવાળા શરૂ થયો છે. રાજકોટની સ્પેશિયલ કોર્ટે આ પ્રકરણના ફરાર આરોપી એવા જામનગરના મહેશ છૈયાને આગામી ઓગસ્ટ મહિનાની 26 તારીખે કોર્ટમાં હાજરી આપવા ફરમાન કર્યું છે.
તા.૧૫-૧૦-૨૦૨૦ ના રોજ સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ શહેરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેના વાઈટ કોલર સાગરીતો એવા ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસ કર્મચારી વશરામ આહીર અને વકીલ માનસાતા તેમજ બિલ્ડર નિલેશ ડોલીયા સહિતના શખ્સો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે સમય સમયાંતરે આ પ્રકરણમાં સંડોવાયેલ કુલ 14 આરોપીને પકડી પાડ્યા છે જ્યારે આ પ્રકરણમાં રમેશ અભાંગી અને મહેશ છૈયા અને જયેશ પટેલ સહિત ત્રણ શખ્સો હજુ ફરાર છે. જેમાં મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ હાલ લંડન જેલમાં છે જેને ભારત લઈ આવવાની પ્રક્રિયા અંતિમ ચરણોમાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ગુન્હાનો ફરારી આરોપી મહેશ ઉર્ફે મુન્નો ગગુભાઈ છૈયા આહીર જે લાલવાડી શાંતિવન સોસાયટી-૭ માં રહેતો હતો, જેને સ્પેશિયલ કોર્ટ રાજકોટ દ્વારા તેના વિરુદ્ધની ફરિયાદનો જવાબ આપવા માટે સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં તા.૨૬ઓગસ્ટના રોજ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. સુત્રોનું માનવામાં આવે તો મહેશ હાલ દુબઈમાં સ્થાયી થયો છે અને ત્યાં વ્યવસાય સંભાળી રહ્યો છે.