ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં જરુરી બસ સેવાના અભાવે જનતા તેમજ વિધ્યાર્થીઓને હાલાકિ પડે છે, ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકા બીટીપી અગ્રણીઓએ બસ ડેપોમાં રજુઆત કરીને તાલુકામાં જે-જે વિસ્તારોમાં પહેલા બસો નિયમિત ચાલતી હતી પરંતું આવક નથી થતી તેવા બહાના હેઠળ બંધ કરી દીધી હોવાના આક્ષેપ સાથે ફરીથી બસો ચાલુ કરવા રજુઆત કરી હતી.
ઝઘડિયા તાલુકા બીટીપી અને બીટીટીએસના આગેવાનો અને કાર્યકરોએ પાર્ટીના વડીલ બાલુભાઇની આગેવાની હેઠળ ઝઘડિયા એસટી ડેપો મેનેજરને રજુઆત કરીને બંધ કરાયેલ રૂટો પર ફરીથી બસો ચાલુ કરવા માંગ કરી હતી. સમગ્ર તાલુકામાં ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અપડાઉન કરતાં હોય ત્યાં તાકીદે બસો ચાલુ કરવા માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના વાલિયા તરફના વિસ્તારના, રાજપારડીથી નેત્રંગના માર્ગ પરના, ભાલોદ પંથકના તેમજ પાણેથા પંથકના ગામોના વિધ્યાર્થીઓ તેમજ નાગરીકો જરુરી બસ સેવાના અભાવે હાલાકિ ભોગવી રહ્યા છે, અને ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી નાછુટકે કરતા હોય છે. ઉપરાંત ઝઘડિયાથી વાયા નેત્રંગ થઇને નર્મદા જીલ્લાના ડેડીયાપાડા સેલંબા તરફના રૂટ પરની બસ સેવા પણ વિસ્તૃત બનાવવાની જરુર છે. ત્યારે ઝઘડિયા એસટી સત્તાવાળાઓ તાકીદે આ બાબતે યોગ્ય કરે તે જરુરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ