દાયકાઓ પહેલા રાજ્યમાં ઘણા સ્થળોએ નેરોગેજ રેલવેની સેવા ઉપલબ્ધ હતી. આઝાદી સમયની ભવ્ય યાદ આપતી આ નેરોગેજ રેલવે સમયાંતરે બંધ કરી દેવામાં આવી. જોકે આ પૈકી ઘણી નેરોગેજ લાઇનોનું બ્રોડગેજમાં રુપાંતર કરાયું, જેમાં અંકલેશ્વર રાજપિપલા વચ્ચેની રેલવે પણ બ્રોડગેજ બની. કોરોના મહામારી સમય દરમિયાન આ રેલવે બંધ થઇ ગઇ. અંકલેશ્વર રાજપિપલા રેલવે લાઇન પર આવતું ઝઘડિયા એક મહત્વનું તાલુકા મથક છે. ઝઘડિયાથી અન્ય એક નેરોગેજ રેલવેલાઇન નેત્રંગ જતી હતી. ઝઘડિયા નેત્રંગ વચ્ચેની આ નેરોગેજ રેલવે પણ લાંબા સમયથી બંધ કરી દેવામાં આવી, જેને ફરીથી ચાલુ કરવા કોઇ આયોજન થયુ નહી.
ઝઘડિયા નેત્રંગ વચ્ચેની આ લાઇન પર ઝઘડિયાથી લઇને ઝઘડિયા, ડમલાઇ, પડવાણીયા, ઝાજપોર, ગોરાટીયા, ગંભીરપુરા તેમજ નેત્રંગ રેલવે સ્ટેશનો આવેલા છે. ઝઘડિયા જંકશનથી નેત્રંગ સુધીના ૨૭ કિલોમીટરના અંતર માટે એક સમયે આ નેરોગેજ લાઇન પર ટ્રેન દોડતી હતી. ભુતકાળના આપણા ઘણા પ્રાચીન સંભારણાઓ કાળક્રમે લુપ્ત થઇ ગયા, તેમાં આપણે નેરોગેજ રેલવેનો પણ સમાવેશ કરી શકીએ. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા અને નેત્રંગ બન્ને આદિવાસી વિસ્તારો છે, ત્યારે આ બન્ને મથકોને જોડતી આદિવાસી પટ્ટીની મહત્વની સુવિધા એવી આ નેરોગેજ રેલવે તો હાલ પુર્ણ સ્વરૂપે બંધ કરી દેવાઇ હોય એમ જણાય છે. જેવી રીતે અંકલેશ્વર રાજપિપલા રેલવે બ્રોડગેજ બનાવાઇ તેવી જ રીતે જો ઝઘડિયા નેત્રંગ વચ્ચેની આ રેલવે લાઇનને પણ બ્રોડગેજ બનાવી હોત તો તે વાત આ આદિવાસી વિસ્તારની જનતા માટે સુંદર બાબત ગણાત ! પરંતુ આ રેલવે જે રેલવે સાથે જોડાયેલી છે તે અંકલેશ્વર રાજપિપલા વચ્ચેની રેલવે જ બંધ છે, અને તેને ફરીથી ચાલુ કરવા હાલ કોઇ આયોજન દેખાતું નથી ત્યારે આપણે ઝઘડિયા નેત્રંગ વચ્ચેની રેલવે ચાલુ થવાની અપેક્ષા કેવી રીતે રાખી શકીશું ? તે પણ એક સવાલ છે ! પરંતું એ વાત તો સ્પષ્ટ જ છે કે ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારની જુના સમયની મહત્વની સુવિધારુપ આ રેલવે જો એક નવા આયોજન સાથે બ્રોડગેજ બનાવીને નેત્રંગથી આગળ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા સાગબારા સુધી લંબાવાય તો બન્ને જીલ્લાના આ આદિવાસી વિસ્તારોને એક મહત્વની સુવિધા મળવાની સાથે આ બાબત ભરૂચ નર્મદા જીલ્લાને જોડતી એક કડીના રુપમાં પણ આગળ આવી શકે. પરંતું આ વાત ત્યારે જ શક્ય બને, જ્યારે અંકલેશ્વર રાજપિપલા રેલવે ફરીથી ચાલુ કરીને ઝઘડિયા નેત્રંગ રેલવે લાઇન બાબતે પણ નક્કર આયોજન કરવામાં આવે !
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ