ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના ગામોએ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ રથના માધ્યમથી લોકોને ઓનલાઇન છેતરપિંડી તેમજ અન્ય પ્રકારની ગુનાખોરીથી કેમ બચવું તેની સમજ આપવામાં આવી.
સુરક્ષા સેતુ રથની સાથે રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડે જોડાઇને પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપારડી, અવિધા, જુનાપોરા, માલજીપુરા વિગેરે ગામોમાં જઇને લોકોને વિવિધ પ્રકારની છેતરપિંડીથી કેવી રીતે બચવું એ બાબતે સમજ આપી હતી, જે અંતર્ગત ઓનલાઇન ચેટીંગ દરમિયાન યુવતીઓએ પોતાનો ચેહરો દર્શાવવો નહિ, અજાણી વ્યક્તિ પાસેથી ઠંડા પીણા, બિસ્કીટ જેવી ખાધ વસ્તુઓ લેવાનુ ટાળવુ, લોભામણા ઇમેલ કે એસ.એમ.એસ. નો કોઇ પ્રત્યુત્તર આપવો નહિ, મોબાઇલ ફોન પર લીંક દ્વારા રૂપિયા જમા થયા તેવા મેસેજો પર ધ્યાન આપવુ નહિ, ઓનલાઇન સાઇટ પરથી જુની પુરાણી વસ્તુઓ પાકા બીલ વગર ખરીદવી નહિ, એ.ટી.એમ.કાર્ડ તેમજ ઓનલાઇન બેંકિંગના પાસવર્ડ જાહેર કરવા નહિ, વાહનોના અકસ્માત નિવારવા વાહન હંમેશા ગતિ મર્યાદામાં હંકારવુ, ફોરવ્હિલ કારમાં હંમેશા સીટ બેલ્ટ બાંધવો, બાઇક મોપેડ પર હંમેશા હેલ્મેટ પહેરી બહાર જવુ, રાતની મુસાફરી દરમિયાન વાહનની ડીમ ફુલ લાઇટનો ઉપયોગ યોગ્ય રીતે કરવો, પ્રવાસ દરમિયાન અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત દરમિયાન સાવધ રહેવુ જેવી બાબતોને આવરી લેવામાં આવી હતી. ઉપરાંત સુરક્ષાને લગતી માહિતી સુરક્ષા સેતુ રથમાં બેસાડેલ એલઇડી સ્ક્રિનના માધ્યમથી પોલીસ દ્વારા લોકોને આપવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ