યાત્રાધામ ચોટીલાના રોપવે પ્રોજેક્ટનો માર્ગ મોકળો થયો છે. કોર્ટમાં થયેલા કેસોનો નિકાલ થતા હવે ટૂંક સમયમાં રોપવે પ્રોજેક્ટ શરૂ થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી પર્વત પર રોપવે બનાવવાના કામને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. જેને લઇને ભક્તો તેમજ ડુંગર તળેટી વિસ્તારના વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોપવે અંગે હાઈકોર્ટમાં કરાયેલી અરજીઓનો નિકાલ થતા હવે રોપવે પ્રોજેક્ટ સાકાર થવાના અણશાર જણાતા ચોટીલા પ્રવાસન નકશામાં ચમકશે.
સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ઐતિહાસિક ડુંગર આવેલો છે. જેની પર માં ચામુંડા બીરાજમાન છે. અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આશરે ૬૫૦ જેવા પગથિયા ઉપર ચડીને ડુંગર પર દર્શનાર્થે ભક્તો જાય છે. જોકે, હવે રોપવે બનાવવામાં આવશે જેથી ભક્તો ૬૫૦ પગથિયા ચડવાને બદલે સીધા જ માં ચામુંડાના દર્શન કરી શકશે. આ મંદિરમાં સમગ્ર ભારતભરમાંથી લોકો દર્શન અર્થે આવતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ચોટીલા યાત્રાધામ ખાતે સમગ્ર ગુજરાતભરનાં જ નહીં, પરંતુ દેશ વિદેશમાંથી ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ ઐતિહાસિક ચામુંડા માતાજીના ડુંગર પર રોપવે બનાવવા વર્ષ 2008 થી ખાનગી કંપની દ્વારા અરજી કરવામાં આવી હતી. પરંતુ અમુક કાયદાકીય ગુંચવણોને લઇને સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે હાઇકોર્ટમાં કેસોનો નિકાલ થયો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા રોપવે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કંપની દ્વારા હાલ વીજ કનેક્શન લેવા સહીતની પ્રાથમિક કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ઐતિહાસિક ડુંગર પર આ રોપવેનું કામ અંદાજે રૂપિયા 20 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે થશે. કંપની દ્વારા આગામી એક વર્ષમાં રોપવેની કામગીરી પૂર્ણ કરવાનો અંદાજો છે.
આગામી સમયમાં મુખ્યમંત્રીના હસ્તે આ રોપવેના કામનું ખાતમુહુર્ત કરી કામગીરી શરૂ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. ગિરનાર તેમજ પાવાગઢ બાદ હવે ચોટીલામાં પણ રોપવે બનાવવામાં આવશે. આ અંગે રોપ-વે નું કામ કરતા ખાનગી કંપનીના લાલાભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 2008 માં ચોટીલા ચામંડા માતાજીના ડુંગર પર અમે રોપ-વે બનાવવા માટેની અરજી કરી હતી. પરંતુ આ મેટર કોર્ટમાં ગઈ હતી. જોકે, હવે હાઇકોર્ટની પરમીશન મળી ગઈ છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી આ રોપવેના કામનું ખાતમુહુર્ત કરે એ પછી આ રોપવેનું કામ ચાલું કરવામાં આવશે. એક વર્ષ સુધી એનું કામ ચાલશે અને અંદાજે રૂ. 20 કરોડની માતબર રકમ દ્વારા આ રોપ-વેનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ અંગે નાના પાળીયાદ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ રઘુભાઇ શિયાળીયાએ જણાવ્યું કે, ભાજપ સરકારે “સૌનો સાથ, સૌનો વિકાસ”ની નેમ સાથે સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ડુંગર પર રોપ-વેના પ્રોજેક્ટને મંજૂરી આપતા ચોટીલા નગરવાસીઓ, વેપારીઓ, દુકાનદારો અને શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર દોડી છે. આ પ્રોજેક્ટનું કામ રાજ્ય સરકાર દ્વારા ઝડપી શરૂ કરી પૂર્ણ કરવામાં આવે તેવી સૌ તાલુકા વાસીઓની નમ્ર વિનંતી છે. આ યોજના થકી ચોટીલા ચામુંડા માતાજીને વિશ્વ ફલક પર નવી ઓળખ મળશે. આ અંગે ચોટીલા ડુંગર ટ્રસ્ટના જણાવ્યાનુસાર સરકારે ગેજેટ બહાર પાડ્યું છે. એ વાત સાચી પરંતુ કોર્ટ કેસનો નિકાલ થયો નથી અને હાલ હાઈકોર્ટમાં મેટર પેંડીંગ છે.