વડોદરા શહેરમાં સોમવારની રાત્રે ધોધમાર ખાબકેલા વરસાદના પરિણામે તેમજ આજવા સરોવર વિસ્તારમાં ભારે વરસાદ થતાં આજવામાંથી પાણી છોડવામાં આવતા અને વિશ્વામિત્રીમાં સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોની હાલત કફોડી બની ગઈ છે. હજી ઘણા વિસ્તારોમાં પાણી ઉતર્યા નથી. ગઈ રાત્રે વિશ્વામિત્રી નદીની સપાટી 16 ફૂટ થઈ ગયા બાદ અને વિશ્વામિત્રીના પાણીના સ્તરમાં વધારો થતાં વડસર કોટેશ્વર કલ્વર્ટ ખાતે રસ્તા પર પાણી વળ્યા છે. ગઈકાલથી આજ સુધી વરસાદ બંધ છે, પરંતુ પાણી હજી રોડ પરથી ઉતર્યા નથી. વિશ્વામિત્રીની સપાટીમાં ધીમો ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ આ વિસ્તારમાં રોડ પર પાણી હજી ભરેલા હોવાથી કોર્પોરેશને રાત્રે જ કાંસા રેસીડેન્સીથી વડસર ગામ સુધીનો રસ્તો બંધ કર્યો છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે નાગરિકોએ આ રસ્તાનો ઉપયોગ ન કરવો. ઉપરાંત વિશ્વામિત્રીના પાણી ફરી વળેલા હોવાથી પાણી સાથે મગર પણ આવી જાય છે, એટલે મગરોનો ભય હોવાથી નજીકમાં જવું નહીં તેવી સૂચના આપવામાં આવી છે. ગઈ રાતથી આ રેસીડેન્સીના લોકો અવરજવર કરી શકતા નથી, તેનો સંપર્ક કપાઈ ગયો છે. દર ચોમાસામાં લોકો આ મુશ્કેલી ભોગવે છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. મગરની સમસ્યા હોવાથી લોકો ભય હેઠળ જીવે છે.
વડોદરા : વડસર-કોટેશ્વર રોડ ઉપર વિશ્વામિત્રીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો.
Advertisement