નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદનું ફરી આગમન થયુ છે. સોમવારની મધરાતથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ થોડા સમય બંધ રહે અને ફરી પાછો વરસી રહ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા છે. આ ઉપરાંત જિલ્લામા સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે. નડિયાદમાં બપોરના સમય ગાળામાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આ ઉપરાંત આખા દિવસ દરમિયાન શહેર વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. નડિયાદ શહેરમાં સતત પડી રહેલા વરસાદના કારણે અને બપોરના સમયે મુશળધાર વરસાદી ઝાંપટુ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નડિયાદના રબારીવાડ વિસ્તારમાં તથા શહેરના તમામ ગરનાળામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદની ગતી ઓછી થતાં આ પાણી ઓસરી ગયાં હતા. જિલ્લામા આજે સવાર 6 થી બપોર 2 સુધી વરસેલા વરસાદ જોઈએ તો નડિયાદ 41 MM, કઠલાલ 22 MM, કપડવંજ 15 MM, ખેડા 15 MM, ગળતેશ્વર 18 MM, ઠાસરા 3 MM, મહુધા 33 MM, મહેમદાવાદ 46 MM, માતર પંથકમાં 34 MM વરસાદ વરસ્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ