નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદ અને નુકશાન બાદ હવે રોગચાળો ફાટી નીકળે તેની ભીતિ સેવાઈ રહી છે. હવે આરોગ્ય તંત્ર પણ જાગ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. લોકોના આરોગ્યની ચકાસણી, દવા વિતરણ, ક્લોરિનેશનની કામગીરી કરવા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત બની છે. પીવાના પાણીના નમુના પણ લેવાયા છે. ક્લોરીન ટેબલેટનું વિતરણ પણ કરાઈ રહ્યું છે.
નર્મદા જિલ્લામાં તાજેતરમાં વરસેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ જિલ્લાવાસીઓના આરોગ્યની સુખાકારી માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાવચેતી માટેના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી, દવા વિતરણ, ક્લોરિનેશન સહિતની કામગીરી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ત્વરિત અસરથી કરાવામાં આવી રહી છે.
જિલ્લામાં ચાલી રહેલી કામગીરી અંગે વધુ વિગતો આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૂચનાઓની અમલવારીના ભાગરૂપે નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ગત તા.૭ મી જુલાઇથી જ મોનસુન એક્ટીવીટી અંતર્ગત આરોગ્યને લગતી વિવિધ કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં મેડીકલ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં સર્વે કરવામાં આવેલા ઘરોની સંખ્યા- ૪૨,૮૭૫ છે અને સર્વેલન્સ કરેલ વસ્તીની સંખ્યા- ૨,૮૭,૭૪૪ નો સમાવેશ થાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ઝાડા, ઉલ્ટી, શરદી, ખાંસી, મરડો અને તાવના કેસો વાળા દર્દીઓનું સર્વે કરી તેઓને દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ વધુ તાવવાળા દર્દીઓના લોહીના નમુના લઇ તાવના પ્રકારનું નિદાન કરવામાં આવે છે અને જિલ્લાના શંકાસ્પદ વિસ્તારમાંથી પીવાના પાણીના નમુના લઇ તે પીવા લાયક છે કે કેમ તે અંગેની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરી તેવા વિસ્તારના લોકોને અપાતા પીવાના પાણી તેમજ ઘરમાં વાસણોમાં ભરીને રાખેલા પાણી માટે ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ જે તે વિસ્તારના મેડીકલ ઓફિસર દ્વારા આરોગ્યની કામગીરીનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાં મેડીકલ કેમ્પની જરૂરીયાત લાગે ત્યાં ત્વરિત અસરથી મેડીકલ કેમ્પનું આયોજન કરી તે વિસ્તારના દર્દીઓની ચકાસણી કરી જરૂરી સારવાર આપવામાં આવી રહી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
નાંદોદ તાલુકાના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર હાર્દિક કનઝરીયાએ જણાવ્યું હતું કે, આરોગ્યના કર્મચારીઓ દ્વારા ગામે ગામ સર્વેની કામગીરી થઇ રહી છે તેમાં વડીયા ગામે ૬૦ હજાર લીટરની પાણીની ટાંકીમાં TCL પાઉડર ૩૦૦ ગ્રામ જેટલો ઉમેરવામાં આવ્યો છે. જેનાથી ૦.૫ PPM નું પ્રમાણ જાળવી શકાયું છે. અને મેડીકલ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે જઇને બિમાર વ્યક્તિઓની તાવ, શરદી, ઝાડા, ઉલટી માટેની ટેબલેટ અને ORS પાઉડરનું વિતરણ કરવામાં આવે છે. તાવ, ખાસી, શરદી વગેરેની દવાઓ પણ સ્થળ પર જ આપવામાં આવે છે. દરેકના ઘરે જઇને પીવાના પાણી માટે ક્લોરિનની ગોળીઓ આપીને તેની જરૂરી સમજ લોકોને પૂરી પાડવામાં આવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, ગામડા, શહેરી વિસ્તારમાં રોગોથી બચવા જાગૃતિ માટે આરોગ્ય સ્ટાફ દ્વારા વિસ્તૃત માહિતીઓ આપવામાં આવે છે. ક્લોરિન ગોળીનો ઉપયોગ કેવી રીતે કરવી તેની સમજણ, મલેરિયા, ડેગ્યું, ચિકનગુનિયા જેવા રોગો સામે સાવચેતી કેવી રીતે રાખવી તે માટે પણ જરૂરી જાણકારી આપવામાં આવી રહી છે.
દીપક જગતાપ, રાજપીપલા