ભરૂચના પશ્ચિમ વિસ્તારના બદરપાર્ક અને નશેમાન પાર્ક તથા આસપાસની સોસાયટીના રહીશો દ્વારા ભરૂચ નગરપાલિકાના તઘલખી નિર્ણયનો વિરોધ કરી આજરોજ ભરૂચ જીલ્લા સમાહર્તાને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
પશ્ચિમ વિસ્તારના સામાજિક આગેવાન એવા અબ્દુલભાઈ કામઠી, સોસાયટીઓના રહીશો, નવયુવાનો તેમજ વોર્ડ નં.1 અને 2 ના કાઉન્સિલરો દ્વારા આવેદન આપી રજૂઆત કરી હતી કે બદરપાર્ક સોસાયટીથી જે.બી. મોદી પાર્ક જવાના માર્ગને કાંસ ખોદી નગરપાલિકા દ્વારા બિનઅધિકૃત રીતે બંધ કરી લોકોની સમસ્યામાં વધારો કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું સદર રસ્તો 30 વર્ષ જૂનો છે. એન.એ ની પરમીશનમાં આ રસ્તો છે તેમજ પાલિકાના ટી.પી માં પણ આ રસ્તો છે. મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ, અરજદારો, સરકારી કામકાજ અર્થે આ રસ્તાનો ઉપયોગ કરે છે. બે કોમોમાં વૈમનસ્ય ઊભું કરવાના સામાજિક ભાગલા પાડવાના બદઇરાદાથી આ રસ્તો બંધ કર્યાનો આક્ષેપ ઉપસ્થિત આગેવાનો એ કર્યો હતો તેમજ સમયશક્તિ ઉપરાંત પૈસાનો પણ વેડફાટ થાય છે તેમ તેઓએ જણાવ્યુ હતું. થોડા સમય પહેલા જયારે આ રસ્તો બંધ થયો ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા આ રસ્તો ટૂંક સમયમાં ચાલુ કરી દેવાની બાંહેધરી આપી હતી છતાં આજદિન સુધી આ રસ્તો કાર્યરત ના કરાતા વીફરેલા સોસાયટીના રહીશો, સામાજીક આગેવાનો, નવયુવાનો એ ચિમકીના સૂરમાં વિરોધ કરી જિલ્લા સમાહર્તાને સ્થળ નિરીક્ષણ કરી રસ્તાનું સમારકામ કરી પ્રજાહિતમાં રસ્તો ખુલ્લો કરવા વિનંતી કરવામાં આવી છે.