હવે હું કોઇનો ઓશિયાળો રહીશ નહીં કારણ કે હવે મને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત દર મહિને રૂા. ૧૦૦૦ની સહાય મળશે એમ કવાંટ તાલુકાના પાનવડ ગામના લાભાર્થી મોરારભાઇ વણકરે જણાવ્યું હતું.
કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેકવિધ વ્યક્તિલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જે પૈકી વૃદ્ધ વ્યક્તિઓને સામાજીક સુરક્ષા પ્રદાન થાય અને તેઓને આર્થિક રીતે કોઇના પર આધાર રાખવો ન પડે એ માટે કેન્દ્ર દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત આ યોજનાના વૃદ્ધ લાભાર્થીઓને મહિને ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર થકી રૂપિયા એક હજારની સહાય આપવામાં આવે છે.
સરકાર દ્વારા દરેક નાગરિક એ પછી બાળક હોય કે વૃદ્ધ હોય એમને સામાજીક સન્માન મળે એ માટે ખૂબ સારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જે પૈકીનો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વયોવૃદ્ધ લોકોના જીવનમાં પણ આશાનું કિરણ લઇને આવી છે.
માહિતી ખાતાની ટીમ સાથેની મુલાકાત દરમિયાન લાભાર્થી મોરારભાઇ કુબેરભાઇ વણકરે જણાવ્યું હતું કે, મને સરકારની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળે છે. આ યોજના અંતર્ગત મને દર મહિને રૂપિયા એક હજાર સીધા જ મારા બેંક ખાતામાં જમા થાય છે. આ યોજના અંતર્ગત મને જે સહાય મળે છે એનાથી હું મારી જરૂરિયાતો પુરી કરીશ. હવે મને મારી નાની નાની જરૂરિયાતો માટેની નાણાકીય જરૂરિયાત માટે કોઇના પર આધાર રાખવો પડશે નહીં. એમણે ગળગળા સાદે જણાવ્યું હતું કે હવે મને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના થકી આર્થિક સધિયારો મળી રહેતા હું કોઇનો ઓશિયાળો રહીશ નહીં એમ જણાવ્યું હતું. આમ, સરકાર દ્વારા અમલી વ્યક્તિ કલ્યાણલક્ષી યોજનાઓથી મળતી નાની સહાય પણ કોઇના જીવનનો મોટો આધાર બની શકે છે એમાં કોઇ બે મત નથી જ.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર