શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, જિનવાલા કેમ્પસ, અંકલેશ્વર ખાતે આજરોજ પ્રવેશોત્સવ તથા ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી થયો હતો. પ્રાર્થના શેખ હુમેરા, પઠાણ અક્સા, પટેલ ત્રિશા તથા સાલેહાએ પ્રસ્તુત કરી હતી. પ્રસ્તાવના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.જય ચૌધરીએ બાંધી હતી. ઇન્ચાર્જ આચાર્ય ડૉ.કે.એસ. ચાવડાએ સૌ અધ્યાપકોનો પરિચય વિદ્યાર્થીઓને કરાવ્યો હતો તથા કોલેજમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ વિશેની જાણકારી આપી હતી. તેમણે શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં યુનિવર્સિટી કક્ષાએ અથવા ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીની આગામી એક વર્ષની ફી સંસ્થાના ચેરમેન, આ વિસ્તારના ધારાસભ્ય તથા પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ તરફથી માફ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી અને વિદ્યાર્થીઓને વિવિધ શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અને સર્વોચ્ચ સિદ્ધિ હાંસલ કરવા માટે હાકલ કરી હતી. ગુરૂવંદના વિશે વક્તવ્ય આપતા આચાર્ય ડૉ. કે એસ. ચાવડાએ કહ્યું હતું કે,”જીવ, જગત પરમાત્મા સુધીનો રસ્તો બતાવે એ ગુરુ. તિમિરમાંથી તેજ તરફ ગુરૂ લઈ જાય છે. આપણા મહાન ગુરુ મા-બાપ છે અને શ્રેષ્ઠ ગુરુ છે માતા.ગુરુ સંસ્કારનું સિંચન કરે છે. વિવિધ સ્તરે ગુરુની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ગુરૂ દુર્ગુણો તરફ આંગળી ચીંધીને સદગુણો તરફ દોરે છે.”
કેમ્પસ એમ્બેસેડર સેવક પઢિયાર તથા જાનવી વાળંદે પોતાના વિચારો અભિવ્યક્ત કરતા કહ્યું હતું કે અમે તમામ વિદ્યાર્થીઓ આવા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈને અમારું સર્વાંગી વ્યક્તિત્વ ઘડતર કરીશું. કાર્યક્રમને સફળ બનાવવા માટે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. રાજેશ પંડ્યા તથા સ્વયંસેવકો વિશાલ પટેલ, હિમાંશુ પટેલ, દેવાંશુ પંચાલે કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.
અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં પ્રવેશોત્સવ અને ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો.
Advertisement