તાજેતરમાં જ વરસાદી માહોલ બાદ જાણે કે ભરૂચ શહેરના મુખ્ય માર્ગોથી લઇ અંતરિયાળ માર્ગોની હાલત પણ દયનિય બની છે. વરસાદી માહોલ શાંત પડ્યાને ૨૪ કલાક જ થયાને ગંદકીની ભરમાર પણ ઠેરઠેર જોવા મળી હતી, ભરૂચ શહેરના હાજીખાના બજાર, ડુમવાડ, સેવાશ્રમ રોડ, ફુરજા વિસ્તાર, ધોળીકુઈ વિસ્તાર, ચકલા વિસ્તાર, કસક તેમજ મકતમપુર અને બાયપાસ વિસ્તારની સોસાયટી સહિત મોહલ્લાઓમાં સ્થિતિ બદતર બની હોવાના આક્ષેપો શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ પ્રિમોન્સુન કામગીરી હાથધરી હતી પરંતુ તે કામગીરી જાહેર માર્ગો ઉપર વરસાદી માહોલ બાદ સર્જાયેલ સ્થિતિમાં ભરાયેલા પાણીમાં વહી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેવામાં હવે સત્તાધારી ભાજપને ઘેરવાનો મોકો કોંગ્રેસે છોડ્યો ન હતો અને આજે ભરૂચ નગરપાલિકા ખાતે કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો એ નગરપાલિકા ખાતે ધસી જઈ સમગ્ર વિસ્તારોમાં સર્જાયેલ સમસ્યાઓ અંગેની રજુઆત કરી તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખીની આગેવાનીમાં નગરપાલિકા ખાતે કોંગ્રેસના સભ્યોએ ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે હલ્લાબોલ કરતા એક સમયે પાલિકાને ગજવી મૂકી હતી. કોંગ્રેસના આગેવાનોના વિરોધના પગલે પોલીસે પણ નગરપાલિકા ખાતે બંદોબસ્ત ગોઠવી દિધો હતો.
હારુન પટેલ : ભરૂચ
મો. 99252 22744