ભરૂચ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વાદળ છાયા વાતાવરણ અને વરસાદી વાતાવરણ બાદ નર્મદા નદીના નયન રમ્ય દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે, બંને કાંઠે વહેતી નર્મદા નદી સાથે સેલ્ફી કે ફોટો લેવાની લ્હાઈમાં લોકો નર્મદા મૈયા બ્રિજ પર જ વાહનો પાર્ક કરી રહ્યા છે જેના કારણે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પાર્ક રહેલા વાહનો અકસ્માત સર્જાય તેવી સ્થિતિની નિર્માણ કરતા હોય છે.
આ પ્રકારના વાહન ચાલકોને સમજાવટ માટેના સૂચન બોર્ડ તંત્રએ લગાડવા ખૂબ જ જરૂરી બન્યા છે. બ્રિજના બંને છેડે પોલીસના કર્મીઓ છે છતાં આ બ્રિજ પર સાંજના સમયે મોટી માત્રામાં વાહનો બ્રિજ પર જ પાર્ક થઈ રહ્યા છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી આ પ્રકારના વાહન ચાલકો પાસેથી દંડનીય કાર્યવાહી કરવાની તાતી જરૂર જણાઇ રહી છે જેથી અન્ય વાહન ચાલકોમાં પણ એક ઉત્તમ દાખલો બેસી શકે તેમ છે.
મહત્વની બાબત છે કે નર્મદા મૈયા બ્રિજ પર જોખમી રીતે કરાતા વાહન પાર્કિંગના કારણે ભૂતકાળમાં અકસ્માતની ઘટનાઓ બની ચુકી છે જેમાં યુવા અવસ્થાના યુવાનો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય અકસ્માતમાં અનેકો લોકો ઇજાગ્રસ્ત થઇ ચુક્યા છે તેમ છતાં સ્વૈચ્છિક જાગૃતિ દર્શવવાના બદલે આજની તારીખમાં પણ અનેક લોકો જોખમી રીતે બ્રિજ પર પોતાનું વાહન ઉભું રાખી દઈ પોતાની બે પાંચ મિનિટની મોજ મસ્તી ખાતર અન્ય લોકો માટે ખતરા સમાન બની રહ્યા છે, ત્યારે આશા રાખીએ કે તંત્ર વહેલી તકે આ પ્રકારના પાર્ક થતા વાહનો સામે પગલાં ભરી બીજીવાર અન્ય કોઈ વાહનનો બ્રિજ પર પાર્ક ન કરે તે માટેનો ઉત્તમ દાખલો બેસાડે તેવી જાગૃત નાગરિકોમાંથી માંગ ઉઠી રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો.99252 22744