દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદના પગલે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો, દરિયાઈ વિસ્તારોમાં પાણીના ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય તેવો માહોલ સર્જાયો હતો. ભરૂચ જિલ્લાના પણ કેટલાય ગ્રામ્ય વિસ્તારો દરીયા કાંઠે આવેલા છે જ્યાં પણ તોફાની દરિયાના દર્શન લોકોને થયા હતા. જંબુસર ખાતેના દરિયા કાંઠા વિસ્તારમાં વસેલ ઈસ્લામપુર ગામ ખાતે પણ દરિયાના પાણીના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ઈસ્લામપુર દરિયા કાંઠે આવેલ પ્રોટેક્શન વોલ અચાનક ગત મોડી સાંજે દરિયાના તોફાની વહેણના કારણે તૂટી જતા દરિયાના પાણી ગામમાં પ્રવેશ્યા હતા, ઈસ્લામ પુર નવી નગરી વિસ્તારમાં દરિયાના પાણી ઘુસી જતા અનેક લોકોને પોતાના મકાનો છોડી સલામત સ્થળે સ્થળાંતર થવાની ફરજ પડી હતી. અચાનક દરિયાઈ પાણી ગામની નવી નગરીમાં પ્રવેશી જતા લોકોની હાલત કફોડી બની હતી તેમજ રાતવાસો અન્ય સ્થાને કરવાની નોબત આવી હતી.
પ્રોટેક્શન વોલ તૂટી જવાની વાત ગામમાં વાયુ વેર્ગે પ્રસરતા એક સમયે લોકોમાં ચિંતાનો માહોલ પણ છવાયો હતો. જોકે સ્થાનિક આગેવાનોની સુજબૂજના કારણે મામલો શાંત થયો હતો. હાલ સમગ્ર મામલા અંગેની જાણ સ્થાનિક તંત્રને કરવાની કવાયત હાથ ધરતા તંત્ર તરફથી પણ પ્રોટેક્શન વોલની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે તેવી આશ ગ્રામજનો સેવીને બેઠા છે.
હારુન પટેલ : ભરુચ
મો. 99252 22744