ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક આજે નડિયાદ સ્થિત પાર્ટીના કાર્યાલય કમલમમાં મળી હતી. જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ આઈ ટી સેલના સંયોજક નિખિલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઈ પટેલે અધ્યક્ષીય પ્રવચનમાં અલ્પકાલીન વિસ્તારક યોજના, સદસ્યતા અભિયાનની કામગીરી માટે હોદ્દેદારો, કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.
આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં જિલ્લાની છ એ છ બેઠકો પર વિજય થાય તેવા પ્રયત્નો કરવા કાર્યકરોને આહવાન કર્યું હતું. ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે વંદે ગુજરાત અભિયાન અંગે કાર્યકરોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી સાથે ગામેગામ વંદે ગુજરાત રથ પહોંચી રહ્યો છે ત્યારે તેનો લાભ વધુને વધુ લાભાર્થીઓ લઈ શકે તેવા પ્રયત્નો કરવા પાર્ટીના કાર્યકરોને જણાવ્યું હતું. ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી ગોપાલભાઈ શાહે પ્રદેશની ગત કારોબારીમાં પસાર કરેલા આર્થિક અને ગરીબ કલ્યાણ પ્રસ્તાવની વિસ્તૃત માહિતી આપી હતી.
પ્રદેશ આઈ.ટી.સેલના સંયોજક નિખિલભાઈ પટેલે સદસ્યતા અભિયાન અને પેજ સમિતિ કાર્યક્રમ અંતર્ગત વિગતો આપી હતી.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીમાં નવા આગંતુક પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ચાવડા, ગૌતમભાઈ ચૌહાણ અને કઠલાલના અગ્રણી રાજેશભાઇ ઝાલાનું પુષ્પગુચ્છ અને કેસરિયા ખેસથી સ્વાગત કરાયું હતું. જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ હોદ્દેદારો અને કાર્યકારોનું માર્ગદર્શન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ દેશ સર્વાંગી દિશામાં વિકાસ કરી રહ્યો છે. નર્મદા ડેમની વાત હોય કે કોવિડ સામે સહુને સુરક્ષિત કરવાની વાત હોય દેશની જનતા સુશાશનનો અનુભવ કરી રહી છે. આ વાત લોકો સુધી પહોંચાડવાનું કામ ભાજપના કાર્યકરે કરવાનું છે. આજની આ બેઠકમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા ભાજપના મહામંત્રીઓ અજયભાઈ બ્રહ્મભટ્ટ, વિકાસભાઈ શાહ, નટુભાઈ સોઢા, જિલ્લા તાલુકાના હોદ્દેદારો, વિવિધ મંડળના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ