છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદ દરમિયાન બોડેલી તાલુકો સૌથી વધારે પ્રભાવિત થયો હતો. અસરગ્રસ્ત વિસ્તારના લોકોની મદદ માટે અનેક ધાર્મિક અને સામાજીક સંગઠનો સામે આવ્યા છે. આ ધાર્મિક અને સામાજીક સંગઠનો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ભોજન તેમજ અનાજની કીટ અને દુધના પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારમાં અનાજ વિતરણ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારના નાગરિકો માટે જિલ્લા વહીવટીતંત્રની સાથે ધાર્મિક અને સામાજીક સંગઠનોએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. બોડેલી તાલુકાના અસરગ્રસત વિસ્તારના નાગરિકો માટે શ્રી નિલકંઠ ધામ પોઇચા, આર્ટ ઓફ લિવિંગ, વરદાન, જીલ્લા વહીવટીતંત્ર તથા બરોડા ડેરી અલ્હાદપુરા દ્વારા અનાજની કીટ, દુધ તેમજ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અસરગ્રસ્ત નાગરિકોને યોગ્ય મદદ મળી રહે તે માટે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા વ્યક્તિગત મોનિટરિંગ કરી જિલ્લા વહીવટીતંત્રને સુચનાઓ આપવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તમામ અસરગ્રસ્ત ગામના નાગરિકોને અનાજ વિતરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લામાં આવેલી કુદરતી આપત્તિ બાદ આપદાગ્રસ્ત નાગરિકો માટે સામે આવેલ શ્રી નિલકંઠ ધામ પોઇચા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને ૧૭૯૦ ફુડ પેકેટ, આર્ટ ઓફ લિવિંગ દ્વારા ૩૦૦ અનાજની કીટો, વરદાન દ્વારા ૪૬૦ અનાજ કીટ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૧૪૫૦ અનાજ કીટ અને બરોડા ડેરી અલ્હાદપુરા દ્વારા ૬૬૦૦ દુધના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત શ્રી નિલકંઠ ધામ, પોઇચા દ્વારા આગામી બે દિવસમાં ૫૦૦ કપડાની કીટ તેમજ ૪૦૦ અનાજ કરીયાણાની કીટ, વરદાન સંસ્થા દ્વારા ૫૦૦ અનાજની કીટ તથા રેડક્રોસ સોસાયટી અને આરોગ્ય વિભાગ ગુજરાતના સંયુકત ઉપક્રમે પાણેજ ગામે ૩૦૦ મેડીકલ કીટનું વિતરણ કરવામાં આવશે એમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર