રાજ્યમાં થયેલ વ્યાપક વરસાદને લઇને ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહેણાંક વિસ્તારો જળાશયોમાં ફેરવાયા હતા. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ બે દિવસ પહેલા પાણી ભરાયા હતા. હાલ ચોમાસામાં વ્યાપક મેઘવર્ષા થઇ રહી છે, ત્યારે સામાન્યતઃ શરદી, ખાંસી, તાવ, ઝાડા જેવી વ્યાધિઓ જોવા મળતી હોય છે.
આજરોજ રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અશોક જાની, ભરત પટેલ, ગૌરાંગ વસાવા, રણજિત વસાવા, જીજ્ઞેસ વસાવા સહિતના આરોગ્ય કર્મીઓએ નગરના પુર અસરગ્રસ્ત સહિતના વિસ્તારોમાં ફરીને નગરજનોને જરુરી દવાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજપારડી નગરની મધ્યમાંથી પસાર થતા કોતરમાં ભારે પુર આવતા તેના પાણી રાજપારડીના નીચાણવાળા વિસ્તારોમાં પેસી ગયા હતા. આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે, અને તેને લઇને નગરજનોને દવાઓની જરુર જણાતા આરોગ્ય કર્મીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ