ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી, જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેરથી અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા તો બીજી તરફ મકાન અને વૃક્ષ ધરાસાઈ થયાની પણ અનેકો ઘટનાઓ સામે આવી હતી, જેમાં વાત કરીએ તો જંબુસર પંથકમાં વરસાદી માહોલ બાદ જાણે કે જર્જરિત મકાનો પડવાના એક બાદ એક બે જેટલા બનાવો સામે આવ્યા હતા.
જંબુસરના જુમ્મા મસ્જીદ વિસ્તારમાં બે માળનું મકાન અચાનક પત્તાની જેમ ધસી પડતા ઉપસ્થિત લોકોમાં એક સમયે ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સમગ્ર ઘટનામાં મકાનમાં રહેતા પરિવારના ૮ જેટલા સભ્યોનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, તો મકાન પડવાની બીજી ઘટના જંબુસર તાલુકાના જ કોરા ગામ ખાતેથી સામે આવી હતી, જેમાં એક નળીયાવાળુ કાચું મકાન અચાનક જમીન દોસ્ત થતા મકાનમાં રહેતા પરીવારના સભ્યોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો.
આમ ભરૂચ જિલ્લામાં એક બાદ એક કાચા પાકા મકાનો પડવાનો સિલસિલો યથાવટ હોય તેમ જંબુસર પંથકમાં બનેલ બે ઘટનાઓ ઉપર થી કહી શકાય તેમ છે, તો આમોદ તાલુકામાં પણ ઢાઢર નદીનુ જળ સ્તર વધતા લોકો ચિંતામાં મુકાયા છે, ઉપરવાસમાંથી સતત ઢાઢર નદીમાં પાણીની આવક થતા આમોદ અને જંબુસર તાલુકા વચ્ચેથી વહેતી નદીમાં પુર જેવી સ્થિતીનું સર્જન થયું છે, તો નજીક આવેલ આમોદ તાલુકાના કોબલા ગામે જવાના માર્ગ પર નદીના પાણી આવી જતા આખે આખું માર્ગ બંધ કરવાની નોબત આવી હતી, નદીનું પાણી ગામ તરફ આવતા ઢાઢર નદીમાં રહેલ મગરોનો ભય પણ લોકોમાં સટાવી રહ્યો છે, અને હાલ તો પાણી ક્યારે ઓસરે છે તેની ચાતક નજરે લોકો રાહ જોઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલમાં વૃક્ષ ધરાસાઈ થવાની પણ અનેકો ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે વધુ બે ઘટના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતેથી સામે આવી હતી, જ્યાં ઉમલ્લા મેઇન બજારમાં વૃક્ષની ડાળ તૂટીને પડી હતી તો બીજી તરફ ઉમલ્લાથી પાણેથા જવાના માર્ગ પર તળાવની પારે આવેલ વર્ષો જૂનો લીમડાનો વૃક્ષ ધરાસાઈ થતા નજીકના વીજ પોલ પર પડતા થાંભલો તૂટી ગયો હતો. જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આમ ભરૂચ જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
હારુન પટેલ : ભરૂચ