ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ ગ્રામ પંચાયતના મકાનની છત જર્જરિત થતા હાલમાં છતના પોપડા ખરી પડ્યા હતા. છતના પોપડા ખરીને નીચે પડતા છતના ધાબાના સળિયા દેખાવા લાગ્યા હતા. તેને લઇને આજરોજ ગ્રામ પંચાયત કાર્યાલયનું સુલતાનપુરા કોમ્યુનિટી હોલ ખાતે હંગામી ધોરણે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઝઘડિયા અને સુલતાનપુરા ગામોનો સમાવેશ થાય છે. ઝઘડિયા ગ્રામ પંચાયતનું મકાન વર્ષો જુનું છે. તેને લઇને મકાનની છત લાંબા સમયથી ધીમેધીમે જર્જરિત બની રહી હતી, દરમિયાન હાલમાં છતના પોપડા નીચે ખરી પડતા કાર્યાલય અન્યત્ર ખસેડવાની જરુર ઉભી થઇ હતી. ઝઘડિયા અને સુલતાનપુરા ગામોને સાંકળતા આ ગ્રામ પંચાયત કાર્યાલયમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાના વિવિધ કામો માટે આવતા હોય છે. ઝઘડિયા એક તાલુકા મથક હોવા ઉપરાંત એક મહત્વનું વેપારી મથક પણ છે, તેમજ ગ્રામ પંચાયત કાર્યાલયમાં વિવિધ દાખલાઓ આયુષ્યમાન કાર્ડ વિ.જેવી કામગીરી પણ થતી હોય છે ત્યારે ગ્રામ પંચાયતના આ જુના જર્જરિત મકાનને જમીનદોસ્ત કરીને નવા આયોજન સાથે અધ્યયન રીતે નવીનીકરણ કરવાની જરૂર છે. મકાનની છતના પોપડા ખરતા સદભાગ્યે કોઇને ઇજા નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી. પરંતું જનતા ઇચ્છે છે કે ગ્રામ પંચાયત કાર્યાલયના આ જુના મકાનનું તાકીદે નવીનીકરણ કરવામાં આવે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ