નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બે ડેમો નાના કાકડીઆંબા ડેમ અને ચોપડવાવ ડેમ વરસાદની સીઝનમાં પહેલીવાર છલકાયા છે જેમાં નાના કાકડીઆંબા ડેમ ૨૫ સે.મી. થી ઓવરફલોથઈ રહ્યો છે જયારે ચોપડવાવ ડેમ ૫ સે.મી. ઓવરફલો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૯૬ મીટરે ભરાતા નાના કાકડીઆંબા ડેમ હાલમાં છલકાયો છે. હાલમાં આ ડેમ ૨૫ સે. મી. ઓવરફલો છે તેમજ ૨૩૩૮ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે,
નાયબ કાર્યપાલક ઇજનેર વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, નિચાણવાળા વિસ્તારવાળા ગામોને એલર્ટ પણ કરાયા હોવાની જાણકારી તેમણે આપી હતી.
જયારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમ તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે થતા ચોપડવાવ ડેમ ૫ સે.મી. થી છલકાયો છે. હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને હાલમાં ડેમમાં પાણીની ૧૫૦ ક્યુસેકની આવક સામે ૧૫૦ કયુસેક પાણીની જાવક ચાલુ છે, ચોપડવાવ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં ૧૨.૦૫ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રાકેવડી, સીમઆમલી, ભવરીસવર, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ ૧૯ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે ૧૦૨૦ હેક્ટર વિસ્તારને સિંચાઇના પાણીની સુવિધાનો લાભ મળશે.
ચોપડવાવ ડેમ છલકાવાના લીધે (ઓવરફ્લો થવાને લીધે) સંભવત: અસરગ્રસ્ત સીમઆમલી, ભવરીસવર, કેલ, પાટ અને પાંચપીપરી જેવા કુલ-૫ ગામોના લોકોને નદી કિનારે નાહ્વા ધોવા, કપડા ધોવા, માછીમારી માટે કે અન્ય કોઇ કારણોસર અવર-જવર ન કરવા માટે વહિવટીતંત્ર તરફથી જરૂરી સૂચનાઓ આપવાની સાથે સાવધ રહેવા જણાવાયું છે.
દીપક જગતાપ, રાજપીપલા