નર્મદા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. એને કારણે જિલ્લામાં ભારે ખાના ખરાબી સર્જાઈ છે. તેની સીધી અસર સ્કૂલો અને બાળકો ઉપર પડી છે. સ્કુલોની અંદર પણ પાણી ભરાતા શિક્ષણકાર્ય બંધ કરવાની ફરજ પડી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ખરાબ હોવાને કારણે અને વાહનોની તકલીફ હોવાને કારણે બાળકો સ્કૂલે જઈ શકતા નથી. ત્યારે આવી પરિસ્થિતિને ધ્યાને રાખી નર્મદા જિલ્લાની તમામ સ્કૂલો બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેની પુષ્ટિ જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલે કરી હતી. જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને સૂચના અનુસાર નર્મદા જિલ્લાની વરસાદની ગંભીર પરિસ્થિતિ જોતા નર્મદા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે આ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે તા.12 અને 13 બે દિવસે રજા રહેશે. જોકે શિક્ષકોએ શાળાએ જવાનું રહેશે એમ જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલે ટેલીફોનિક મુલાકાતમાં માહિતી આપતા જણાવ્યું હતું.
ડેડીયાપાડાની એ.એન બારોટ વિદ્યાલયમાં ભારે વરસાદને કારણે કંપાઉન્ડમાં, ઓટલા પર અને વર્ગખંડોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે આશ્ચર્યની વાત તો એ હતી કે વર્ગખંડમાં પાણી ભરાવાથી વર્ગખંડમાંથી ઝરણાની માફક ધોધમાર પાણી બહાર આવતું જોવા મળતાં શિક્ષકો અને આચાર્યએ આશ્ચર્ય અનુભવ્યુ હતું.શાળાના આચાર્ય યોગેશ ભાલાણીએ જણાવ્યું હતું કે મારા 40 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના મેં નિહાળી છે કે વરસાદમાં વર્ગખંડમાંથી પાણી બહાર આવતું હોય. આવી ઘટનાઓમાં વિધાર્થીઓ શાળાઓમાં આવી શકે એમ ન હોવાથી તારીખ 12 અને 13 એમ બે દિવસ શાળાઓ બંધ રહેશે.
દીપક જગતાપ, રાજપીપલા
ડેડીયાપાડાની બારોટ વિદ્યાલયમાં વર્ગખંડોમાં પાણી ભરાતા શિક્ષણકાર્ય અટક્યુ.
Advertisement