ભરૂચ જિલ્લામાં સતત બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં પણ ધીમીધારે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, સાથે જ કેટલાક સ્થળે માર્ગો પર પણ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
અંકલેશ્વરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે પર કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઉપર વ્યાપક અસર જોવા મળી હતી. આમલાખાડી સહિત વરસાદી જળ રસ્તા પર આવી જતા વાહન ચાલકો જોખમી રીતે વાહન હંકારીને રસ્તો પાર કરવાની નોબત આવી હતી.
ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં 24 કલાક દરમ્યાન વરસેલ વરસાદના આંકડાકીય વાત કરીએ તો અંકલેશ્વર 2.72 ઇંચ, આમોદ 1.4 ઇંચ, જંબુસર 1.24 ઇંચ, ઝઘડિયા 3.4 ઇંચ, નેત્રંગ 4.44 ઇંચ, ભરૂચ 3.8 ઇંચ, વાગરા 2 ઇંચ, વાલિયા 3.68 ઇંચ, હાંસોટ 1.44 ઇંચ વરસાદ ફ્લડ કંટ્રોલના ચોપડે નોંધાયો હતો. તો ભરૂચના નર્મદા નદી પર આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે પણ નદીમાં નવા નીર આવતા નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને ગોલ્ડન બ્રિજ ખાતે નદીના જળ સ્તરમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જોકે વર્તમાન સ્થિતિમાં કોઈ ચિંતાની બાબત ન હોવાનું તંત્રના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ