એક કહેવત છે કે લાલચ ત્યાં મોત અને લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવતને સાર્થક કરતો કિસ્સો ભરૂચના વિસ્તારમાં બનતા ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. કેટલાક શિક્ષિત લોકો લાલચમાં આવી ધુતારાઓના હાથમાં આવી જતાં જીવનની તમામ સાચવેલી મૂડી એક ઝાટકે જતી રહેતી હોય છે.
ભરૂચમાં પશ્ચિમ વિસ્તારના ખુશ્બુ પાર્ક સોસાયટીમાં રહેતા યાહયા મો.શબ્બીર કુરેશીએ તેના જ કહેવાતા મિત્રને રૂ.25,00,000 રૂ. કાપડનો ધંધો કરવા આપ્યા હતા. ફરિયાદના જણાવ્યા અનુસાર ભરૂચના સંતોષી વસાહત સબજેલ પાસે રહેતા ઈમરાન અબ્દુલ પટેલે કાપડના ધંધામાં રોકાણ કરી નફામાં 50% ભાગીદારી કરવા જણાવેલ અને 6 મહિનામાં રૂ. 12,50,000 નફો આપવા જણાવેલ. ઈમરાન ભરૂચના હુશેનિયામાં દુકાન ચલાવતા હોવાથી તે વાતોમાં આવી પોતાના સગા-વ્હાલા પાસેથી મૂડી એકઠી કરી રૂ.25,00,000 આપેલા પરંતુ 6 મહિનાનો સમયગાળો વીતવા છતાં મૂડી કે નફો આપેલ નથી અને ખોટા વાયદાઓ કરતાં હતા. સદર બાબતે આરોપી ઇમરાને ચેક લખી આપેલ જેની ઉપર ખોટી તારીખો મારેલ હતી. યાહયાભાઈ કુરેશી સાથે ઠગાઇ કરનાર ઇમરાને યાહયાભાઈના મિત્ર ઈર્ષાદ મોહમદ ઇદ્રીસ મોલવી પાસેથી રૂ.29,50,000/- લીધા હોવાનું જણાવ્યુ હતું. ફરિયાદીએ લાલચમાં આવી આટલું મોટું રોકાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. જેની ભરુચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઈમરાન અબ્દુલ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.