ગુજરાત સરકારની અતિ મહત્વની યોજનાઓ પૈકી સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત ડિરેક્ટર, ડીપીઆઇઆઇટી, જલ શક્તિ અભિયાનના નોડલ ઓફિસર રમનજનેયુલું અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે. એલ. રામક્રિષ્નાની મુખ્ય ઉપસ્થિતીમાં જિલ્લા પાણી સંગ્રહ વ્યવસ્થાપન સંદર્ભમાં કલેકટર કચેરીએ મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં ભૂગર્ભસ્તર ઊંચા લાવવા, સુદ્રઢ સિંચાઈ વ્યવસ્થા કરવા અને પાણીનો બગાડ ઘટાડવા જેવા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
જલ શક્તિ અભ્યાનના નોડલ ઓફીસરએ જિલ્લા પાણી સંગ્રહ આયોજનના સંદર્ભમાં અમૃત સરોવર, જલશક્તિ યોજના અને મનરેગા યોજનાઓની સફળતા હેતુ સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. વિવિધ વિભાગોની સંકલનની અનિવાર્યતા પર ભાર મુકતા તેમણે ગ્રામીણ સ્તરે પંચાયત અને ફોરેસ્ટ વિભાગની સહ ભાગીદારીની વાત કરી હતી. વધુમાં તેમણે લોક ભાગીદારી સંદર્ભમાં મહિલાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ ચરોતર ભૂમિની ફળદ્રુપતા વિશે વાત કરતા બેઠકમાં હાજર તમામ લોકોને ચરોતર પ્રદેશના ધર્મજ ગામની ગોચર ભૂમિની મુલાકાત લેવા માટેનું સૂચન કર્યું હતું. જનભાગીદારી બાબતે જિલ્લા કલેક્ટરએ જે તે ગામમાંથી વિદેશ ગયેલા લોકોનો સંપર્ક કરી તેમને સરકારની ‘વતન પ્રેમ યોજનાની જાણકારી આપવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટર કે એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ સહિત જળ અભિયાન સાથે સંકળાયેલા તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ