ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની મુખ્ય ઉપસ્થિતિમાં વંદે ગુજરાત યોજના અંતર્ગત સરકારની વિવિધ યોજના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા અને ૨૬.૦૪ લાખની રકમના કુલ ૧૧ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધન આપતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ ગાથાને સંક્ષિપ્તમાં નગરજનો સમક્ષ મૂકી હતી. તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈને ઉપેન્દ્રભાઈ પટેલ સુધીના વિકાસકાર્યોના વિવિધ આયોમોની ઉદાહરણ સાથે વાત કરી હતી. વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઝાંખી આપતા તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા, પાણી, આરોગ્ય, ડિફેન્સ, પ્રવાસન સ્થળો, ખેડૂત કલ્યાણકારી યોજનાઓ, ડેમ, આદિવાસી કલ્યાણકારી યોજનાઓ, પશુપાલન, વીજળી, શિક્ષણ, ડેરી, રોડ રસ્તાઓ, સોલર પાર્ક, કાયદા અને સુરક્ષા વગેરે ક્ષેત્રે ગુજરાતે હરણફાળ પ્રગતિ નોંધાવી છે.
સુરક્ષિત ગુજરાતને વંદન કરતા પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે નડિયાદ શહેરમાં રોડ રસ્તાઓ, તળાવ, વિવિધ બાગ, સ્વિમિંગ પૂલ, ટેનિસ કોર્ટ, એસટી બસ સ્ટેન્ડ, રીંગરોડ વગેરેનું કામકાજ ઉત્તમ રીતે કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છતાનું મહત્વ સમજાવતા પંકજભાઈએ તમામ નગરજનોને સ્વચ્છતાની જવાબદારી સ્વયં સ્વીકારવાનું આહવાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે નડિયાદ એક લો-કોસ્ટ શહેર તરીકે ખ્યાતિ પામેલું નગર છે અને આજે આટલી મોંઘવારી હોવા છતાં પણ નડિયાદની સુખાકારી જીવન વ્યવસ્થાને ટકાવી રાખવા માટે શહેર નગરપાલિકા કટિબદ્ધ છે.
આ પ્રસંગે નડિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર એ શહેરમાં આત્મ નિર્ભર સેવા યોજના, તાલીમ રોજગાર યોજના, સ્વરોજગાર યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નડિયાદ શહેરના વિવિધ લાભાર્થીઓ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, ઉપપ્રમુખ કિંતુભાઇ દેસાઈ, મામલતદાર નડિયાદ આર સી ચૌહાણ, કારોબારી સમિતિના ચેરમેન મનનભાઈ રાવ, પ્રમુખ હિરેનભાઈ દેસાઈ, ચીફ ઓફિસર રૂદ્રેશભાઈ હુડત, નગર પાલિકાના પદાધિકારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ