રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં અપડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અપૂરતી અને અનિયમિત બસોના કાયમી ધાંધિયા જુલાઈ માસથી શાળા કોલજો ખુલ્યા પછી શરૂ થઈ જાય છે જેનું કાયમી સોલ્યુશન થતું નથી. ગામડાની બસો નિયમિત ન આવતી હોવાથી મોડા પડતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે. શાળામાં એક કે બે કલાક મોડા આવે તો વિદ્યાર્થીઓને શિક્ષા પણ ભોગવવી પડે છે. પણ જવાબદાર એસટી તંત્ર અને વહીવટી તંત્ર આનો કાયમી ઉકેલ લાવતા નથી. જેને કારણે દર વર્ષે વિદ્યાર્થીઓને સહન કરવું પડે છે. જેને કારણે રાજપીપલા અપડાઉન કરતા
વિધાર્થીઓની હાલત કફોડી બની છે.
અગાઉ ડેપોના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ બસો નિયમિત ન આવતી નથી અને જે બસો આવે છે એમાં બેસાડતા ના હોવાની વ્યથાથી અંતે કંટાળેલા વિદ્યાર્થીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવું પડ્યું હતું. રાજપીપલા ખાતે વિદ્યાર્થીઓએ દ્વારા એક કલાક સુધી ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરતા એસટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. જોકે બાદ ટ્રાફિક ઇન્ચાર્જ ડી.ડી. રાવલ દ્વારા લેખીત બાંહેધરી આપતાં અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. અગાઉ અનેક રજૂઆત બાદ પણ ધાર્યું પરિણામ ન આવતા કંટાળેલા વિદ્યાર્થીઓ દ્વાર નારે બાજી કરી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો.
નર્મદા જીલ્લાના ડુંગર વિસ્તારમાં આવેલ નામલગઢ અને ગાગર તરફથી રાજપીપળા ખાતે અપડાઉન કરીને 100 જેટલાં વિધાર્થીઓ શાળા કોલેજમા અભ્યાસ કરી રહયા છે. તમામ શાળાઓ સવારે લગભગ 11 કલાકે પોતાનુ શૈક્ષણિક કામકાજ શરૂ કરતી હોય છે, ત્યારે પોતાના ઘરેથી વિધાર્થીઓ નવ સાડા નવ વાગે નીકળી નામલગઢ સ્ટેન્ડ પર આવે છે. પરંતું એસ. ટી. તંત્ર દ્વારા દોડાવવામાં આવતી બસ નામલગઢ તો આવતી જ નથી. અને વિદ્યાર્થીઓ બસ સ્ટોપ ઉપર ઉભેલા હોય તો પણ કેટલીક બસોના ડ્રાઈવર ઊભી રાખતા નથી!! બસનો અનિયમિતતાના કારણે વિધાર્થીઓ કેટલીક વાર મોડા પડતાં શાળામા પ્રવેશ પણ મળતો નથી, અને તેના કારણે પોતાનું ભણતર બગડતું હોવાનો આરોપ વિધાર્થીઓએ લગાવ્યો હતો.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ અંગે અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા એસટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું હતું, વારંવાર બસોની અનિયમિતતાથી કંટાળેલા વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા ઉપર બેસી નારેબાજી કરી ચક્કાકામ કરી દેવામાં આવ્યો હતો, અને જ્યાં સુધી બસ સમયસર ન આવે ત્યાં સુધી આંદોલન કરાશેએમ વિધાર્થીઓએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ડેપો અધિકારી સહિત ટાઉન પોલીસ બસ ડેપો પર આવી પહોંચી હતી અને રસ્તા ઉપર બેસેલા વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરતા આખરે ડેપો તંત્ર વતી ટ્રાફિક ઇન્ચાર્જ ડી.ડી.રાવલ દ્વારા લેખિત બાંહેધરી આપતા અને પોલીસની સમજાવટ બાદ એક કલાક જેટલા સમય પછી મામલો થાળે પડ્યો હતો.
એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લામાં ભણતર માટે જો વિદ્યાર્થીઓએ આંદોલન કરવુ પડતુ હોયતો એ તંત્ર માટે શરમજનક કહેવાય. જિલ્લા કલેકટર, એસટી તંત્રના અધિકારીઓ, શાળા કોલેજના આચાર્યની તાકીદની મિટિંગ બોલાવે અને જેતે શાળામાં મોડા આવતા વિધાર્થીઓની કઈ બસો સમયસર આવતી નથી તેનો સર્વે કરાવી જરૂરી બસો સમયસર જેતે રૂટ પર દોડતી થાય એ તંત્રના જવાબદાર અધિકારીઓએ જોવું જોઈએ. તો જ એનો કાયમી ઉકેલ આવી શકે.
દીપક જગતાપ, રાજપીપલા