ભરૂચ શહેરમાં ઘણા સમયથી તસ્કરોનો તરખાટ વધી ગયો છે ત્યારે અંધારાનો લાભ લઈ દુકાનોના શટર તોડી ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના શ્રવણ ચોકડી પાસે તુલસી રેસીડન્સીની દુકાન નં.9 ના તાળાં તોડી રોકડ ચોરી જવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. શહેરમાં બનતા આવા ઘરફોડ ચોરીના બનાવના ઉકેલ માટે જિલ્લા અધિક્ષક તથા જિલ્લા પોલીસ વહીવટી તંત્ર સજાગ થઈ ટીમવર્કથી કામ કરતા ભરૂચ એ ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી ચોરોને ઝડપી પાડયા હતા.
સરકારના મહત્વકાંક્ષી વિશ્વાસ પ્રોજેકટ વિશ્વાસ અંતર્ગત શહેરમાં લગાવેલા સી.સી.ટી.વી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલીજ્ન્સના આધારે ઉપરોકત ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં (1) કરણભાઈ રત્નાભાઇ ભાભોર (2) રાહુલ કાળુભાઇ રાવત (3) અલ્કેશ ચુનિયાભાઇ ગણવાને ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા શટર તોડવાના સાધનો સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓ તમામ દાહોદ જિલ્લાના અને મજૂરી અર્થે આવેલા ઇસમો છે. જે શક્તિનાથ રેલ્વે ફાટક પાસે ઝૂંપડી બાંધી રહેતા હતા. તમામ આરોપીઓની અટક કરી ભરૂચ એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.