ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તની સાથે જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ સ્કોટ પુનાવાલા કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી મેડીકલ એમ્બ્યુલન્સ વાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અર્પણ કરાઇ હતી. જેનું જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવેલ હતું.
૧૫- કહાનવા જિલ્લા પંચાયતની બેઠક માટેના ગજેરા ગામે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં હરણફાળ ગતિએ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રા નામના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યાત્રા દરમિયાન રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજૂર થયેલા કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
પ્રમુખ અલ્પાબેન પટેલે ઉમેર્યું હતું કે સરકારની લોક ઉપયોગી યોજનાના માધ્યમથી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિનું કલ્યાણ થાય તે જ અમારો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક યોજનાઓ અને લાભો છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, સાત પગલાં ખેડૂત કલ્યાણના, બહેનોને કીટ વિતરણ સહિતની અનેકવિધ યોજનાઓ દ્વારા આજે જન સુખાકારીના કાર્યો થઈ રહ્યા છે. આ તકે તેમણે વ્હાલી દિકરી યોજના વિષે વિસ્તૃત જાણકારી પણ આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાએ પ્રાસંગિક ઉદબોધનમાં રાજય સરકાર દ્વારા ગામડામાં છેવાડાના માનવીને લોકોપયોગી યોજનાઓથી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ વંચિત ન રહી જાય તેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તેમણે આરોગ્ય વિષયક અનેકવિધ યોજનાઓની માહિતી પુરી પાડી હતી.
આ પ્રસંગે ગજેરા ગામમાં સ્વામિનારાયણ મંદિર પાસે બ્લોક પેવીંગનું કામ,ચોરાવગામાં બ્લોક પેવીંગ, વણકરવાસમાં સ્લેબના નાળાનું કામ, પાણીના બોરનું કામનું લોકાર્પણ તેમજ મહાકાળી મંદિરની દિવાલનું અને રૂા.૩૦ લાખમાં મુખ્ય રસ્તા વેડચ જતા નાળાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથો સાથ પી.એમ.જે.એ.વાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, વ્હાલી દીકરી યોજના, ખેડૂતોને વિજ કનેકશન,પાક સાધન સહાય સામગ્રી સહિતના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. આ તકે વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોનું, દૂધ મંડળીના સંચાલકોનું સન્માન તેમજ કોરોના મહામારીમાં ગજેરા ગામમાં ૧૦૦ ટકા રસીકરણ થતાં ગામના સરપંચ રેણુકાબેનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગુજરાતના છેલ્લા ૨૦ વર્ષની વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મ પણ ગ્રામજનોએ નિહાળી હતી.
આ વેળાએ પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત અન્ય મહાનુભાવોએ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને ઝંડી બતાવી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી ઇલ્યાસભાઇએ કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારશ્રી પિયુષભાઇ, જિલ્લા આગેવાન કમલેશભાઇ પટેલ, ધનંજય ભટૃ, અમીષાબેન પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય ભોલાભાઇ, સરપંચ રેણુકાબેન, પંચાયતના સદસ્યો, સ્કોટ પુનાવાલા કંપનીના મેનેજર રાકેશભાઇ પટેલ તથા અન્ય અધિકારીગણ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સહિત અધિકારીઓ-પદાધિકારીઓ, આંગણવાડીની બહેનો, આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, શાળાના આચાર્ય – શિક્ષકો, લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.