છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતેથી રાજયના અન્ન અને નાગરિક પુરવઠો તથા ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી ગજેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી પરમારે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં કે જ્યારે હું પણ સરપંચ હતો, આપણા ગામમાં કંઈ કામ કરવું હોય તો કોઈ દાતા શોધવો પડતો હતો અને જો કોઈ ધારાસભ્ય ૫૦ હજાર કે લાખ રૂપિયાની ગ્રાન્ટ આપે તો ગામમાં તેનું વરઘોડો કાઢવામાં આવતું હતું. સમયના બદલાવની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના શાસાનકાળમાં વિકાસના કામો કરવા માટે પૈસાની કોઇ અછત નથી એમ જણાવી તેમણે વીસ વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રા આજે વટવૃક્ષ બની ફુલી ફાલી રહી છે એમ કહી તેમણે રાજય સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલા વિકાસકાર્યોની વિગતે છણાવટ કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેક યોજના અમલમાં મુકી સર્વાંગી વિકાસનો નવો અભિગમ અપનાવ્યો છે એમ જણાવી તેમણે રાજય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી હતી. ઉપરાંત રાજય સરકારના શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોની ભારોભાર સરાહના કરી હતી.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ દેશના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કરેલા વિકાસ સરાહના કરી ગુજરાતની કાયાપલટ કરી હોવાનું જણાવ્યું હતું. વનબંધુ કલ્યાણ યોજનાની વિગતે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ૧૫ હજાર કરોડથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજનાનું કદ વધીને આજે ૧ લાખ કરોડનું થયું છે એમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવી રહેલા વિકાસ અંગે વિગતવાર જાણકારી આપી હતી.
મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય મહાનુભાવોએ રૂા.૯.૨૩ લાખના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. અને રૂા.૨ લાખના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય સહાય અર્પણ કરી હતી. બાદમાં મંત્રીએ નારિયેળ વધેરી અને લીલીઝંડી બતાવીને વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા બોડેલી પ્રાંત ઉમેશ શાહે કાર્યક્રમના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ડી.બી.પારેખ શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકરમ દરમિયાન વંદે ગુજરાત વિકાસગાથાનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ રાજયમાં છેલ્લા વીસ વર્ષ દરમિયાન થયેલા વિકાસની ગાથા ફિલ્મ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધિ સંખેડા તાલુકા વિકાસ અધિકારી ભૂમિકાબેને આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઇ દેસાઇ, સરપંચ નિતિનકુમાર શાહ, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.એમ.બોરડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો, જિલ્લા પંચાયતના સભ્યો, અન્ય પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રેહાન પટેલ, છોટાઉદેપુર