આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન( N.S.D.C.)દ્વારા “કૌશલ ભારત સશક્ત ભારત”ની થીમ આધારિત સ્કિલ સંવાદનું આયોજન હોટેલ રેજેન્ટામાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, નેશનલ સ્કિલ ડેવલમેન્ટ કોર્પોરેશન( N.S.D.C.) દ્વારા આ પ્રકારનાં સ્કીલ ડેવલપેન્ટના સંવાદની પહેલ ઔદ્યોગિક એકમના વિકાસ માટે ઉમદા શરૂઆત છે. આ પ્રકારના સંવાદથી ડિગ્રી તથા સર્ટિફિકેટ ધરાવતા યુવક યુવતીઓને પોતાના એકેડેમીક વાતાવરણમાંથી પ્રોફેશનલ બનાવવાં માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આપણા દેશમાં મૂડીરોકાણ તો ખૂબ આવે છે પરંતુ તે પ્રમાણે કૌશલ્ય ધરાવતા માનવ સંશાધનની અછત દેશમાં વર્તાય છે.આ અછતને દૂર કરવા માટે જ આ પ્રકારના સંવાદની તાતી જરૂરિયાત છે.આ ઉપરાંત સરકાર તરફથી ચાલતા તાલીમ વર્ગોને પણ સંકલિત કરીને એક પ્લેટફોર્મ પૂરું પાડવા તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના સીઓઓ વેદમણી તિવારીએ જિલ્લા કલેકટરશ્રીના ઉમદા પ્રયત્નોને આવકારીને પોતાના પ્રાસંગીક ઉદ્બોધનમાં જણાવ્યું કે, આગામી સમયમાં ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોને સ્કિલયુક્ત મેનપાવર મળી રહે તે માટે આ પ્રકારના સંવાદની શરૂઆત કરવામાં આવી છે. જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં આ પ્રકારની શરૂઆત આશિર્વાદ બનશે.
આ પ્રસંગે નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનનો કાર્યપધ્ધતિનો રૂપરેખા બતાવવામાં આવી હતી. આ કોન્કલેવમાં એ.આઈ.એ.ના પ્રમુખ રમેશ ગાબાણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દવે સહીત વિવિધ ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.