ઘી ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી. ઓલપાડની ૯૭ મી વાર્ષિક સાધારણ સભા બી.આર.સી.ભવન સભાખંડ,ઓલપાડ ખાતે મળી હતી. સભાની શરૂઆત અવસાન પામેલ સભાસદો તેમજ અગ્રણીઓને શ્રધ્ધાંજલિ આપીને કરવામાં આવી હતી.
સભામાં મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે સભાસદોને આવકાર્યા હતાં. સભાનાં તમામ એજન્ડા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં. આગામી નાણાંકીય વર્ષનાં મંડળીના પ્રમુખ તરીકે કિરીટભાઈ પટેલ (બી.આર.સી. કો-ઓર્ડિનેટર,ઓલપાડ), ઉપપ્રમુખપદે બળદેવભાઈ પટેલ (ઉપશિક્ષક, કુદિયાણા પ્રા.શાળા), મુખ્ય સેક્રેટરી તરીકે મહેશભાઈ પટેલ (સી.આર.સી.કો-ઓર્ડિનેટર, ઓલપાડ), જોઇન્ટ સેક્રેટરી તરીકે ભરતભાઈ પટેલ (ઉપશિક્ષક, માસમા પ્રા.શાળા) તથા બીજા જોઈન્ટ સેક્રેટરી તરીકે શશીકાંત પટેલ (ઉપશિક્ષક, માસમા પ્રા. શાળા)ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
છેલ્લા ૨૦ વર્ષોથી સર્વાનુમતે બિનહરીફ વરાતા મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાનાં ઉદબોધનમાં મંડળીનાં વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે મંડળીનાં ભવિષ્યનાં આયોજનની વાતો કરી પારદર્શક વહીવટની ખાત્રી આપી હતી. દરેક શિક્ષક સભાસદ ભાઈ-બહેનો માટે આશીર્વાદરૂપ આ મંડળીમાં ચાલુ વર્ષે નફાની વહેંચણી બચત થાપણ ઉપર ૫.૫ ટકા પ્રમાણે કરવામાં આવી હતી. જયારે શેર ડિવિડન્ડની ફાળવણી ૧૦ ટકા પ્રમાણે કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકાનાં નિવૃત પ્રાથમિક શિક્ષકો ભાઈ-બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સભાસદ ભાઈ-બહેનોનાં ધો-૧૦ અને ધો-૧૨માં વિશેષ સિધ્ધિ મેળવેલ સંતાનોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. અંતમાં સભાસદ ભાઈ-બહેનોએ પોતાનાં પ્રશ્નો અને પ્રતિભાવો રજૂ કર્યાં હતાં. મંડળીનાં ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલે સહકારી અભિગમ તથા સર્વસ્તરીય વિકાસની વાતો સાથે આભારવિધિ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ