વડોદરામાં દિવાળી પછી ભગવાન નરસિંહજીનો વરઘોડો અને અષાઢી બીજે ઇસ્કોન પ્રેરિત ભગવાન જગન્નાથજી અને બંધુ બલરામ અને ભગિની સુભદ્રાજીની રથયાત્રા એ શહેરી કેલેન્ડરના બે અગત્યના પડાવો છે.
જોકે હવે પ્રત્યેક ક્ષેત્રમાં આઇટીનો વિનિયોગ થઈ રહ્યો છે ત્યારે વડોદરાના ટેકનોસેવી યુવા મિત્રોએ પવિત્ર રથયાત્રામાં આઇટી ના વિનિયોગથી અનોખી અને આકર્ષક પરંપરા ઉમેરી છે.આજે જય મકવાણા અને તેના મિત્રોએ રથયાત્રા સાથે જગન્નાથ પુરીમાં સંકળાયેલી પરંપરાઓને પાળીને નિઝામપુરા વિસ્તારમાં ૯ મી રથયાત્રા, રિમોટ કંટ્રોલ સંચાલિત નંદિઘોષ રથમાં ભગવાનને બિરાજમાન કરીને કાઢી હતી અને યુવા સમુદાયે ખૂબ ઉત્સાહથી બંધુ ભગિની ત્રિદેવને વધાવ્યા હતા.
આ રોબો રથની રચના નીરજ મહેતા અને રવીન્દ્ર સોલંકીએ કરી હતી. ૬ પૈંડા ધરાવતો આ રથ ૧૨ વોલ્ટની બેટરી અને ૧૦૦ આર.એમ.પી.મોટરથી ઉર્જાનવિત કરવામાં આવ્યો હતો. તે કલાકના ૧૦ કિમી વેગથી ગતિમાન કરી શકાતો હતો. તેની સાથે ૬ શ્વેત અશ્વોની પ્રતિકૃતિઓ જોડવામાં આવી હતી. ભક્તોના મોબાઈલ ફોનના બ્લુટૂથ સાથે જોડી દોરડાને બદલે ટેકનોલોજીથી આ રથ સંચાલિત કરવામાં આવ્યો હતો.
મથાળે સુદર્શન ચક્રવાળા આ રથને પામની ડાળીઓ અને પુષ્પોથી સજાવવામાં આવ્યો હતો. રથયાત્રા શરૂ કરવા પહેલાની તમામ વિધિઓ કરીને રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શહેરના નિઝામપુરા વિસ્તારની એલ.જી.સોસાયટીથી નીકળેલી આ રથયાત્રા ન્યુ એરા સ્કૂલ સુધીના માર્ગ પર ફરી હતી અને લોકોએ ઉત્સાહપૂર્વક ધર્મ, સંસ્કૃતિ અને ટેકનોલોજીના આ સુંદર પ્રયોગને વધાવતા, ભગવાનના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા.
ભગવાને ખાસ જગન્નાથપુરીમાં બનાવેલા સોનાભેષ ( સુવર્ણ વસ્ત્રો) ધારણ કર્યા હતા. પહિંદ વિધિ વડીલ સોના બા એ કરી હતી.ભક્તોને મહા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રથ યાત્રાની ગુજરાતે અપનાવેલી પરંપરામાં વડોદરાની આ રોબોટ રથ યાત્રા ધર્મને આઇ.ટી.સાથે જોડતો એક અનોખો સેતુ બની ગઈ છે.