‘જય રણછોડ માખણ ચોર’ ના નાદ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે નીજ મંદિરથી નીકળેલી આ રથયાત્રામાં ભજન મંડળીઓ, અશ્વ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે. પ્રસાદમાં ફણગાયેલા મગ, જાંબુ, કેળા, કેરી, છાશ, પાણીનું વિતરણ કરતા વાહનો પણ મોટી સંખ્યામાં જોડાયા છે.
250 મી રથયાત્રામાં 89 વર્ષ જુના અને અંદાજીત 400 તોલા ચાંદીના રથમાં ડાકોરના ઠાકોરજી બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. નિયત કરેલા રૂટ પર ફર્યા બાદ સમી સાંજે નીજ મંદિરે પરત આવશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘જય રણછોડ માખણચોર’ના જય ઘોષથી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી છે. ડાકોર સહિત અન્ય છ સ્થળોએ પણ ભગવાનની રથયાત્રા નીકળી નડિયાદમાં આવેલ મોટા નારયણદેવ મંદિરથી ભગવાનની 250 મી રથયાત્રા નીકળી હતી. આ પ્રસંગે ભાવિક ભક્તો જોડાયા હતા. સાથે સાથે મહુધા, કપડવંજ, મહેમદાવાદ, કઠલાલ તથા માતર ખાતેથી પણ રથયાત્રા વાજતે ગાજતે નિજ મંદિરથી નીકળી હતી. જે નગરના માર્ગો પર ફરી હતી. ખાસ નડિયાદની રથયાત્રા નીજ મંદિરેથી નીકળી ભગવાનની ઘેર ઘેર પધરામણી કરી હતી. આજે ભક્તોએ પ્રસાદ રૂપ જાંબુ, ફણગાયેલા મગ ગ્રહણ કરી ધન્યતા અનુભવી છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડાકોરની રથયાત્રા તેના નિયત સ્થળે આગળ ધપી રહી છે. હજારો લોકો આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. ત્યારે પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જાળવી રહી છે. ખાસ કરીને આજે ભક્તોને દર્શન આપવા ખુદ ભગવાન મંદિરની બહાર નીકળ્યા છે ત્યારે ભગવાનની શાહી સવારી ડાકોરના માર્ગો પર ફરી રહી છે. સૌપ્રથમ વખત આ શાહી સવારી ગજરાજ વિના થઈ છે.
નરેશ ગનવાણી : નડિયાદ