ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં બનાવેલ વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં જીઆઇડીસીના કેટલાક ઉધોગો દ્વારા પ્રદુષિત પાણી છોડાવાની ઘટનાઓ બનતી જોવા મળે છે. જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણીની ઓથમાં આવું શંકાસ્પદ પાણી વરસાદી કાંસમાં છોડાવાની ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઇ હોય એમ જણાય છે.
આજરોજ જીઆઇડીસીની મનમોહન મિનરલ્સ એન્ડ કેમિકલ નામની કંપનીમાંથી વરસાદી કાંસમાં પાણી ઠલવાતું જણાતા તે અંગે પુછતા કંપની દ્વારા આ પાણી વરસાદનું છે એમ જણાવાયું હતું. જોકે જે સમયે કંપનીમાંથી આ શંકાસ્પદ પાણી વરસાદી કાંસમાં ઠલવાઇ રહ્યુ હતુ તે સમયે બપોરના બાર વાગેલ હતા, અને વરસાદ બંધ થયે કલાકો વિતી ગયેલ હતા. ત્યારે કલાકો પહેલા બંધ થયેલ વરસાદનું પાણી આટલી મોટી માત્રામાં કંપનીએ કઇ રીતે અને શા માટે સંગ્રહિત કરી રાખ્યુ હશે એવો સવાલ પેદા થાય છે. કલાકો પહેલા બંધ થયેલ વરસાદનું પાણી હોવાની વાત કંપની દ્વારા કરવામાં આવેલ લુલો બચાવ હોવાની શંકા ઉદભવે છે. આ બાબતે જીઆઇડીસીના સંબંધિત તંત્રને જાણ કરાતા ત્યાંના કર્મચારીઓએ સ્થળ પર આવીને પાણીના નમુના લીધા હતા. જોકે હાલતો વરસાદ બંધ થયાના કલાકો બાદ વરસાદી કાંસમાં છોડાઇ રહેલા આ શંકાસ્પદ પાણી બાબતે વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. આ પાણી સાચેજ વરસાદી પાણી છે? જો વરસાદી પાણીજ હોયતો વરસાદ બંધ થયાના કલાકો સુધી કેમ, શા માટે અને કેવી રીતે સંગ્રહિત કરી રાખ્યુ? આ બધી વાતોને લઇને પ્રશ્નાર્થ સર્જાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ