ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ ભરપૂર જામી હોય તેવા દ્રશ્યો ગુરુવારે રાત્રીના જિલ્લા વાસીઓએ જોયા હતા. ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદી માહોલ જામ્યો હતો. મોડી સાંજથી શરૂ થયેલા વરસાદે સતત ૨ કલાકની ધમાકેદાર બેટિંગ કરતા ઠેરઠેર મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતા. ભરૂચ શહેરના કસક, કસક ગળનાળા, પાંચબતી, સેવાશ્રમ રોડ, ફાટાતળાવ, છીપવાડ ચોક, ફુરજા ચારરસ્તા, પીરકાંઠી રોડ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે જળની નદીઓ વહેતી થઈ હતી.
ભરૂચ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદના આંકડા વિશે વાત કરીએ તો અંકલેશ્વરમાં 2 ઇંચ, આમોદ 1.5 ઇંચ, જંબુસર 2.5 ઇંચ, ઝઘડીયા 13 મી.મી., નેત્રંગ 3 ઇંચ, ભરૂચ 2.5 ઇંચ, વાગરા 16 મી.મી., વાલિયા 4.5 ઇંચ, હાંસોટ 16 મી.મી. વરસાદ ભરૂચ ફ્લડ કન્ટ્રોલ રૂમના ચોપડે નોંધાયો હતો. આમ જિલ્લામાં વરસાદી માહોલ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હારુન પટેલ : ભરૂચ