અંકલેશ્વર પાનોલી તેમજ ઝઘડિયા જીઆઇડીસીના સ્થાનિક ઉદ્યોગોમાંથી નીકળતો ઘન હેઝાર્ડસ કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરતી ભરૂચ એનવાયરો ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, અંકલેશ્વરના ઉપક્રમે આજરોજ આગામી લેન્ડ ફિલ્ડ પ્રોજેક્ટની પર્યાવરણીય લોક સુનાવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
ભરૂચ એનવાયરો ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, અંકલેશ્વર કંપનીના ડાયરેકટર અશોક પંજવાની, સી.ઈ.ઓ. બી. ડી. દલવાડી, વાઇસ પ્રેસિડેન્ટ મનોજ પટેલ, સી.એસ. આર. એક્ઝિક્યુટિવ નરેન્દ્ર ભટ્ટ સહિત અધિકારીઓએ આ પત્રકારોને સુચિત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈડ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ બેઈલ કંપની દ્વારા આસપાસના દશ થી વધુ ગામોમાં અત્યાર સુધી થયેલ સામાજિક ઉત્કર્ષની પ્રવૃતિ ઓનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે વર્ષ ૧૯૯૭ માં અંકલેશ્વર, પાનોલી સહિત ઝઘડિયા જીઆઇડીસી ના ઉધોગો સામે ઘન હેઝાર્ડસ ઘન કચરાના નિકાલ માટેનો યક્ષ પ્રશ્ન હતો તેવા સમયે બેઈલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આ દેશની સૌપ્રથમ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈડ હતી. ત્યારબાદ તબ્બકા વાર ત્રણ ફેઇઝની લેન્ડ ફિલ્ડ સાઈડ નુ વિસ્તરણ થયુ. આગામી ૮ મી જુલાઈના રોજ બેઈલ કંપનીની અલાયદી નવી લેન્ડ ફિલ્ડ સાઈડ માટે પર્યાવરણીય લોક સુનાવણી રાખવામાં આવી છે.
સુચિત પ્રોજેક્ટ પાછળ અંદાજિત ૧૨૦ કરોડ નો ખર્ચ થશે જેના થકી આગામી ૧૦ વર્ષ સુધી અંકલેશ્વર પાનોલી તેમજ ઝઘડિયા જીઆઇડીસીના ઉદ્યોગોમાંથી નીકળતા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ શકય બનશે. કંપની સતાધિશોએ જણાવ્યુ હતુ કે જીતાલી ગ્રામ પંચાયતની હદમાં આવેલ ખાનગી માલિકીની ૫૫ એકર જમીન ખરીદવામાં આવી છે. તેની એન.એ. સહિતની તમામ વહીવટી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે.આ પ્રોજેક્ટને પગલે સ્થાનિક રોજગાર વાંછુકોને ઘર આંગણે રોજગારી મળશે. તેમજ આ પ્રોજેક્ટ થકી તબ્બકા વાર ૨૦ મેગા વોટ જેટલી વીજ ઉત્પાદન પણ શક્ય બનશે. તેમજ ૪૦ ટકા ગ્રીન બેલ્ટનુ નિર્માણ થશે.