લશ્કરી ભરતી માટેની અગ્નિપથ યોજનાનો પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. અગ્નિપથ યોજનાથી દેશના યુવાનોનું ભાવિ અંધકારમય બનશે એમ ધારાસભ્ય પી. ડી. વસાવાએ જણાવ્યું હતું. ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિના લીધે પ્રજા મોંઘવારી, બેરોજગારી, વીજળી જેવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે અને બીજી બાજુ નવ યુવાનો માટે કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા જે લશ્કરી ભરતીમા અગ્નિપથ યોજના જાહેર કરી છે જેમાં પરંપરાગત પદ્ધતિ તથા નિયમોને બાજુ પર મૂકી દેશના સૈનિકોના મનોબળને નબળું બનાવવાનું કાર્ય કર્યું છે જેથી નવયુવાનો લશ્કરમાં જોડાવા ઈચ્છતા હોય તેઓ સખત વિરોધ કરી રહ્યા છે જેથી કોંગ્રેસ દ્વારા પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે રાજપીપળા ગાંધી ચોક પર અહિંસારૂપી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ, માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન કાદરી ઈમ્તિયાઝઅલી, રાજુભાઇ ભીલ, મલંગ રાઠોડ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.
રાજપીપળા ખાતેની ગાંધીજીની પ્રતિમાં પાસે કોંગ્રેસ કાર્યકરો એ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજપીપળાના ધારાસભ્ય પી.ડી. વસાવા એ અગ્નિપથ યોજનાને દેશના યુવાનોના ભવિષ્ય માટે ખતરારૂપ ગણાવી હતી, યુવાનોનું ભાવિ અંધકાર મય બનશે અને યોજના પ્રત્યે યુવાનોમાં રોષ ફેલાયેલો હોવાનું જણાવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા