રાજ્યમાં વિધિવત રીતે ચોમાસા ઋતુનું આગમન થઇ ચૂક્યું છે, વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેવામાં ભરૂચ ખાતે પણ આજે વહેલી સવારથી વરસાદે એન્ટ્રી મારી હતી, વરસાદના પગલે એક સમયે માર્ગો પર પાણી ભરાવવાની શરુઆત થઇ હતી, તે વચ્ચે ભરૂચ નગર પાલિકાના કર્મીઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી માહોલમાં પાણી ભરાવવાની શરુઆત થઇ હતી, ચોકઅપ બનેલ ગટરોને કારણે વરસાદી પાણી જાહેર માર્ગ પર ઉભરી આવતા નિદ્રામાં રહેલું પાલિકાનું તંત્ર એકાએક સફાળું જાગ્યું હતું અને સેવાશ્રમ રોડ પરની ચોકઅપ ગટરોને ખુલ્લી કરવા સાથે સાફ સફાઈ કરવામાં આવી હતી, જોકે વરસાદી માહોલ વચ્ચે જ પાલિકાના કર્મીઓની કામગીરી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી.
દર વર્ષે ચોમાસાના આગમન પહેલા પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ભરૂચમાં ઉલટી ગંગા વહેતી હોય તેમ વરસાદી માહોલ જામ્યા બાદ કર્મીઓને કદાચ ખબર પડતી હશે કે આ વિસ્તારમાં કામગીરી કરવાની રહી ગઈ છે, હાલ તો પાલિકા તંત્રની લોલમલોલ વચ્ચે શહેરમાં સામાન્ય વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાય છે તે વિસ્તારોમાં ભૂતકાળની જેમ આ વર્ષે પણ પ્રથમ વરસાદના બે રાઉન્ડમાં જ જળ ભરાવવાની સમસ્યા સર્જાઇ ચુકી છે ત્યારે પૂર આવ્યા બાદ હવે તંત્ર પાળ બાંધવાની કહેવત સાથર્ક કરવામાં લાગી ગયું છે.
હારુન પટેલ : ભરૂચ