નેત્રંગ નજીકના ઉંડી ગામ તેમજ વડપાન ગામે પ્રા.શાળામાં પહેલા ધોરણમાં નવા દાખલ થનાર વિધ્યાર્થીઓને આવકારવાનો પ્રવેશોત્સવ ઉજવાયો હતો. નેત્રંગ મામલતદાર ગોપાલભાઈ હરદાસાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં ઉંડી ગામના સામાજિક કાર્યકર ઊર્મિલાબેન દલુભાઈ વસાવા દ્વારા ધો. ૧ થી ૫ ના વિદ્યાર્થીઓને દફતર, સ્લેટ, પેન, પેન્સિલ, રબર, દેશીહિસાબ તથા નોટબુક જેવી વિવિધ અભ્યાસોપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષકો, અગ્રણીઓ, બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પહેલા ધોરણમાં નવો પ્રવેશ મેળવનાર બાળકોને આવકારીને વિધિવત શાળા પ્રવેશ આપવામાં આવ્યો. શાળામાં પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી બાળકોમાં અભ્યાસ પ્રત્યેની રુચિમાં વધારો થાય છે, એવી લાગણી અગ્રણીઓએ વ્યક્ત કરીને બાળકોને ભણતરમાં ધ્યાન આપીને તેઓ ઉચ્ચ કારકીર્દિ તરફ પ્રયાણ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ