વડોદરા શહેરમાં ONGC માં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઇ છે. શહેરમાં ગોત્રીની મહિલાને ONGC માં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી અપાવવાનું કહી રૂપિયા તેની પાસેથી ૨,૬૮,૫૦૦ રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેને લઇ વડોદરા ઝોન-2 LCB એ ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા છે.
ગોત્રીની પૂર્વિ ગજ્જર નામની મહિલાને ઓએનજીસીમાં કમ્પ્યુટર ઓપરેટરની નોકરી અપાવવા માટે રૂ.75 હજાર પડાવી લેનાર વિજયજી ઠાકોરે પૂર્વિબેનના ભાઇ-ભાભી પાસે પણ રૂ.1.93 લાખ પડાવી લીધા હતા. ત્રણેય જણાને ઓએનજીસીના ગેટ પાસે બોલાવી ઠગે ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો દેખાવ કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેમને નોકરી અપાવી નહતી અને સંપર્ક પણ કાપી નાંખ્યો હતો.
નાયબ પોલીસ કમિશનર અભય સોનીએ આ બનાવ અંગે પીઆઇ વી આર વાણિયાને તપાસ સોંપી વિજયજી જયંતિભાઇ ઠાકોર (અર્પણ નગર, બાકરોલ, આણંદ મૂળ રહે. વડનગર, મહેસાણા)ને ઝડપી પાડી તેની પૂછપરછ, કોલ્સ ડીટેલ અને બેન્ક એકાઉન્ટની તપાસને આધારે તેના બે સાગરીતો વિષ્ણુ અંબારામ ચૌધરી(શ્રી કચ્છ સત્સંગ, સ્વામિનારાયણ વિશ્રાંતિ ભવન, ગામદેવી, મુંબઇ મૂળ રહે.મહેસાણા) તેમજ મેહુલ રમેશભાઇ પટેલ(ન્યુ સેન્ટ્રલ ડોર્મિટરી, એસએમ મેન્શન,બિલ્લાસ રોડ,મુંબઇ સેન્ટ્રલ મૂળ રહે.કારેલા ગામ,ભરૂચ)ને ઝડપી પાડયા હતા.
તપાસ દરમિયાન ગેંગ દ્વારા કુલ 63 જણાને નોકરી અપાવવાના નામે રૂ.84 લાખ પડાવી લીધા હોવાની વિગતો બહાર આવી છે.પોલીસે તેમની પાસે છ મોબાઇલ, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કર્યા છે.